હાઇવે દેણા ચોકડી નજીક કોંક્રિટ મિક્સર મશીનની ટક્કરે બાઇક સવારનું મોત
ગોત્રી રોડ પર કારની અડફેટે નોકરી જતા બાઇક સવારને કાર ચાલકે અડફેટે લીધો
વડોદરા,હાઇવે દેણા ચોકડી નજીક કોંક્રિટ મિક્સર મશીનની ટક્કર વાગતા બાઇક સવારને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જે અંગે હરણી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ખોડિયાર નગર ન્યૂ વી.આઇ.પી. રોડ પર શ્રીજી વિલામાં રહેતા શાંતિલાલ જેઠાભાઇ પરમાર ( ઉ.વ.૫૮) આજે વહેલી સવારે ઘરેથી બાઇક લઇને નોકરી પર જવા નીકળ્યા હતા. ગોત્રી મેન રોડ પરથી તેઓ પસાર થતા હતા. તે સમયે એક કાર ચાલકે તેઓને ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાયા હતા. તેઓને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે ગોત્રી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું. જે અંગે ગોત્રી પોલીસે ગુનો દાખલ કરી કાર ચાલકની ધરપકડ કરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં રાજસ્થાનના ભીલવાડા ખાતે રહેતો ૨૭ વર્ષનો માંગીલાલ ચીતરભાઇ પ્રજાપતિ હાલમાં પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે ટી.સી.આઇ. હાઇવેની બાજુમાં ભેરૃનાથ હોટલમાં રહે છે. ગઇકાલે તે બાઇક લઇને હાલોલથી રણોલી ખાતે તેના સંબંધીને મળવા માટે આવ્યો હતો. ત્યાં મળીને તે ગોલ્ડન ચોકડીની બાજુમાં ઢાબા હોટલ ચલાવતા પિતરાઇ ભાઇ શંકરભાઇ પ્રજાપતિની ત્યાં આવતો હતો. તે સમયે હાઇવે પર દેણા ગામના કટ પાસે એક કોંક્રિટ મિક્સર મશીનના ચાલકે તેને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. હરણી પોલીસે ગુનો દાખલ કરી મિક્ષર મશીનના ડ્રાઇવર મહેબૂબશા ખસમશા દિવાન ( રહે. નવી નગરીની બાજુમાં, કપુરાઇ) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.