માંજલપુરના બે વૃધ્ધ મિત્રો પાવાગઢ દર્શન કરી પરત જતા હતાં રેલિંગ વગરના નાળા પરથી બાઇક ૨૦ ફૂટ ઊંડા ખાડામાં પડી ઃ વૃધ્ધનું મોત
હાલોલ નજીક બાયપાસ પર સર્જાયેલા અકસ્માતમાં વૃધ્ધ મિત્રને ઇજા થતાં વડોદરા ખસેડાયા
હાલોલ તા.૨૦ હાલોલ શહેરની બહાર જ્યોતિ સર્કલ નજીક આવેલ પાવાગઢ બાયપાસ રોડ પર વળાંકમાં રેલિંગ વિનાના રોડ પરથી વડોદરાના માંજલપુરના વૃધ્ધની બાઈક ઊંડા નાળામાં ખાબકતા બાઈક પાછળ બેસેલા અન્ય વૃધ્ધનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું જ્યારે બાઈકચાલકની હાલત ગંભીર હોઈ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વડોદરાના માંજલપુર ખાતે રહેતા અનિલભાઈ પાંડુરંગ ઠાકોર (ઉં.વ.૬૦) તથા મિત્ર મુકેશભાઈ સૂર્યકાંતભાઈ વ્યાસ (ઉ.વ.૬૫) બંને મિત્રો આજે સવારે વડોદરાથી અનિલભાઈની બાઈક પર બેસી પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન માટે આવ્યા હતાં. બંન્ને મિત્રો દર્શન કરી બપોરે પરત વડોદરા તરફ જતા હતાં.
હાલોલ શહેરની બહાર જ્યોતિ સર્કલ નજીક હાલોલ પાવાગઢ બાયપાસ ખાતે તેઓની બાઇક પસાર થતી હતી ત્યારે વળાંકમાં આવતા નાળાની ઉપરના રોડ પરની રેલિંગ ન હોવાથી બાઇક બેકાબુ થઈ રોડ પરથી ૨૦ ફૂટ જેટલા ઊંડા નાળામાં જઈને ખાબકી હતી. આ અકસ્માતમાં મુકેશભાઈ વ્યાસને ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું જ્યારે અનિલભાઈને પણ ઇજાઓ પહોંચી હતી.
બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસે ગુનો દાખલ કર્યો હતો. હાલોલ પાવાગઢ બાયપાસ રોડ પર નાળાની ઉપરના વળાંકમાં મુખ્ય રોડ પરની રેલિંગ કે કોઈ સંરક્ષણ દિવાલ વાહનોના બચાવ માટે ન હોવાના કારણે વડોદરાના શ્રધ્ધાળુએ જીવ ગુમાવવો પડયો હતો. તંત્ર દ્વારા હાઇવે પરના આ નાળા પર સંરક્ષણ દિવાલ બનાવાય તેવી લોકમાંગ આજે ઉઠી હતી.