Get The App

આજવારોડ પર બાઇક ચાલકને પોલીસ વાને ટક્કર મારતા મોત

ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાના બદલે પોલીસ વાનનો ડ્રાઇવર ફરાર

Updated: May 11th, 2024


Google NewsGoogle News
આજવારોડ પર બાઇક ચાલકને પોલીસ વાને  ટક્કર મારતા મોત 1 - image

વડોદરા,શહેરના આજવા રોડ ઉપર પસાર થતાં બાઈક ચાલકને પોલીસ વાને ટક્કર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. અકસ્માત પછી ઇજાગ્રસ્તને મદદ કરવાના બદલે પી.સી.આર.વાનનો ડ્રાઇવર અને સ્ટાફના જવાનો ઘટના સ્થળ પરથી ભાગી ગયા હતા. કપુરાઇ પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેર નજીકના સિકંદરપુરા ગામે ધ પેલેસમાં રહેતો ૩૫ વર્ષનો નિલેશ  ડાહ્યાભાઇ પરમાર ઇલેક્ટ્રિશિયનનું કામ કરે છે. ગઇકાલે બપોરે ૧૨ વાગ્યે  આજવા રોડ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા  હિતેશ ચંદુભાઇ માછીના નવા મકાનનું વાસ્તુ  પૂજન હોવાથી તે બાઇક લઇને ઘરેથી નીકળ્યો હતો.તે દરમિયાન આજવા રોડ નાયરા કંપનીના પેટ્રોલપંપ પાસે એક પી.સી.આર.વાનના ડ્રાઇવરે તેની બાઇકને ટક્કર મારતા તે હવામાં ફંગોળાઇને જમીન પર પટકાયો હતો. નિલેશને માથા તેમજ મોંઢાના ભાગે ગંભીર ઇજા થતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, સારવાર મળે તે  પહેલા જ તેનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે,  અકસ્માત કરનાર જીપ પોલીસની વાન હતી. જરૃરિયાતમંદોને મદદ કરવા માટે પોલીસ અધિકારીઓ દ્વારા અવાર - નવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે. કુદરતી આફતમાં પણ પોલીસ ખડેપગે મદદ માટે ઉભી  રહેતી હોય છે. પરંતુ, આ અકસ્માતના કિસ્સામાં  પોલીસે ઇજાગ્રસ્તની મદદ કરવાનું એકતરફ મૂકી ભાગી ગઇ હતી. જો સમયસર ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હોત તો તેનો જીવ બચી જાત.


Google NewsGoogle News