વડોદરામાં તાંદળજા વિસ્તારમાં બસેરા ચાર રસ્તા પાસે પાણીની લાઈનમાં મોટું લીકેજ
- રોડ પર લીકેજથી પાણીની રેલમછેલ
- ત્રણ ચાર વાહન ચાલકો નીચે પટકાયા
- કોર્પોરેશનમાં જાણ કરવા છતાં કોઈ આવ્યું નથી
વડોદરા,તા.31 ઓગસ્ટ 2023,ગુરૂવાર
વડોદરામાં અવારનવાર પીવાની પાણીની લાઈનમાં મોટું લીકેજના બનાવો બને છે અને તેના કારણે હજારો લિટર ચોખ્ખું પાણી નકામું વેડફાઈ જાય છે. એક બાજુ લોકોને પીવાનું પાણી પૂરતું અને પ્રેશરથી મળતું નથી અને બીજી બાજુ લીકેજને કારણે પાણી વહી જતા લોકો પાણી વિના હાડમારી ભોગવે છે. અગાઉ કોર્પોરેશનમાં અધિકારીઓ સાથેની બેઠક થઈ ત્યારે લીકેજના પ્રશ્નો તાત્કાલિક સોલ્વ કરી પાણીનો બગાડ થતો અટકાવવા તાકીદ કરવામાં આવી હતી. આમ છતાં તેનો કોઈ અમલ થતો નથી. શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા બસેરા ચાર રસ્તા પાસે પાણીની લાઈનમાં લીકેજ થતા સમગ્ર વિસ્તારમાં પાણીનો વેડફાટ સર્જાયો છે.
કોર્પોરેશનની વોર્ડ ઓફિસમાં રજૂઆત કરેલ છે, પણ કામગીરી થઈ નથી. જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિસ્તારના એક યુવાને કહ્યું હતું કે પાણી લીકેજના કારણે વાહન લઇને પસાર થતાં ત્રણ-ચાર જણા નીચે પણ પટકાયા હતા. છેલ્લા ચાર દિવસથી આ રીતે પાણી વહી રહ્યું છે. ઓફિસમાં અધિકારીને કહેવા છતાં કોઈ આવ્યું નથી.