પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીની પરીક્ષામાં પહેલા જ દિવસે છબરડો

Updated: Apr 9th, 2024


Google NewsGoogle News
પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીની પરીક્ષામાં પહેલા જ દિવસે છબરડો 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કેટલીક ફેકલ્ટીઓમાં આજથી એપ્રિલ અને મે મહિનાની પરીક્ષાનો પ્રારંભ થયો હતો.આ પૈકી પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીમાં પરીક્ષાના પહેલા જ દિવસે છબરડો સર્જાતા ફેકલ્ટીમાં દોડધામ મચી ગઈ હતી.

મળતી વિગતો પ્રમાણે ફેકલ્ટીના ડ્રામા વિભાગમાં એફવાયના વિદ્યાર્થીઓની બીજા સેમેસ્ટરની પરીક્ષા આજથી શરુ થઈ હતી.પરીક્ષા આપવા બેઠેલા વિદ્યાર્થીઓને જે પેપર અપાયુ હતુ તેના પર  તારીખ, સમય અને સેકેન્ડ સેમેસ્ટરની પરીક્ષા જેવી જાણકારી તો  બરાબર હતી પણ પેપરમાં પૂછાયેલા પ્રશ્નો પહેલા સેમેસ્ટરના કોર્સના હતા.લગભગ તમામ પ્રશ્નો આ પ્રકારના હોવાથી વિદ્યાર્થીઓને પણ આશ્ચર્ય થયુ હતુ.

સૂત્રોનુ કહેવુ છે કે, વિદ્યાર્થીઓએ આ બાબતે સુપરવાઈઝરનુ ધ્યાન દોર્યુ હતુ.વિદ્યાર્થીઓનુ કહેવુ હતુ કે, બીજા સેમેસ્ટર માટેના કોર્સની તૈયારી અમે કરીને આવ્યા છે અને બીજા સેમેસ્ટરમાંથી એક પણ સવાલ પૂછવામાં જ નથી આવ્યો હતો.સુપરવાઈઝરે સત્તાધીશોનુ ધ્યાન દોર્યુ હતુ અને પેપરના પ્રશ્નોને જોતા વિદ્યાર્થીઓની ફરિયાદ સાચી હતી.જેના પગલે સત્તાધીશોએ આ પેપરની જગ્યાએ તરત જ ફેકલ્ટીમાં બીજુ પેપર તૈયાર કર્યુ હતુ અને તેની ફોટોકોપી કાઢીને તરત જ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી અને પરીક્ષા લેવામાં આવી હતી.આ કવાયતમાં પરીક્ષા પણ અડધો કલાક વિલંબમાં પડી હતી અને વિદ્યાર્થીઓને પાછળથી વધારાનો સમય આપવામાં આવ્યો હતો.આમ પહેલા જ દિવસે પરીક્ષામાં સર્જાયેલો છબરડો  ફેકલ્ટીની વિદ્યાર્થી આલમમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો.



Google NewsGoogle News