વડોદરા જિલ્લા પંચાયતનો ભ્રષ્ટ વહીવટઃ કન્યાઓની સાઇકલો 9 વર્ષ પડી રહી,આજે માત્ર રૃ.900 ના ભાવે હરાજી કરશે
વિદ્યાર્થીઓની ઉત્તરહવહી ખરીદીમાં પણ રૃ.40લાખની ગેરરીતિ બહાર આવતાં હોબાળો
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની આજે મળેલી જનરલ બોડી મીટિંગમાં વિપક્ષ હાવી થઇ ગયો હતો અને ભ્રષ્ટ્રાચારના મુદ્દે શાસક પક્ષનો બરાબરનો ઉધડો લેતાં વહીવટીતંત્રની પોલ ખૂલ્લી પડી હતી.
વડોદરા જિલ્લા પંચાયતની આજે જૂની કલેક્ટર કચેરીના ધારાસભા હોલમાં મળેલી મીટિંગમાં કોંગ્રેસના સદસ્યોએ એક પછી એક મુદ્દા ઉપાડીને વહીવટીતંત્ર પર પસ્તાળ પાડી હતી.જેમાં સૌથી મોટું નિશાન જિલ્લા પંચાયત હસ્તકનો પ્રાથમિક શિક્ષણ વિભાગ રહ્યું હતું.
વિરોધ પક્ષના નેતાએ કન્યા કેળવણીના ભાગરૃપે સરકારે વિનામૂલ્યે સાઇકલોની ફાળવણીની યોજનાના મુદ્દે રજૂઆત કરતાં કહ્યું હતું કે,વડોદરા જિલ્લામાં વર્ષ-૨૦૧૫માં સરકારે આપેલી સાઇકલો કન્યાઓને નહિં ફાળવતાં પડી રહી હતી અને ધૂળ ખાઇ કંડમ થઇ ગયેલી ૯૯૫ સાઇકલોની આવતીકાલે હરાજી થવાની છે.
વળી રૃ.૪ થી ૫ હજારની કિંમતની સાઇકલની હરાજીની કિંમત રૃ.૯૦૦આંકવામાં આવી છે.આ સાઇકલો જિલ્લા પંચાયતે લઇ લેવી જોઇએ અને રૃ.૧૦૦-૨૦૦નો રીપેરિંગ ખર્ચ કરી ફરી કન્યાઓને આપવી જોઇએ.
આ તબક્કે વડુના સિનિયર સદસ્યએ પ્રાથમિક શિક્ષણ વિભાગમાં બાળકો માટે ઉત્તરવહી ખરીદીના કૌભાંડની તપાસની માંગ કરી હતી.તેેમણે કહ્યું હતું કે, જિલ્લા પંચાયત પાસે માંગેલીમાહિતી મુજબ વર્ષ-૨૦૨૩-૨૪માં ૯૨૯૫૭ વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહી પાછળ કુલ રૃ.૬૯.૪૭ લાખનો ખર્ચ થયો હતો. આ વર્ષે (૨૦૨૪-૨૫)માં વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર ૨ જ વધી છે.પરંતુ ઉત્તરવહીનો ખર્ચ રૃ.૪૦ લાખ ઘટીને સીધો રૃ.૨૯.૭૭ લાખ થયો છે.જેથી ગયા વર્ષે મોટો ભ્રષ્ટ્રાચાર થયો હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.ડીડીઓએ કહ્યું હતું કે,આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.
સિંચાઇ વિભાગનો નફ્ફટાઇ ભર્યો જવાબ,32માંથી 24 કાંસ સાફનથી કર્યા
જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગે આજે સભામાં કબૂલ્યું હતું કે,૨૪ મોટા કાંસની ચોમાસા પૂર્વે સફાઇ થઇ શકી નથી.
જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષી સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે,આ વખતે કાંસની સફાઇ નહિં થતાં સ્કૂલો અને મકાનોમાં પાણી ભરાઇ ગયાં છે.તેમણે કેટલા કાંસની સફાઇ નથી થઇ અને કેટલી સ્કૂલોમાં પાણી ભરાયાં હતા તેની માહિતી માંગી હતી.
જેના જવાબમાં સિંચાઇ વિભાગે કહ્યંુ હતું કે,ચોમાસા પૂર્વે કુલ કુલ ૩૨કાંસમાંથી ૫ કાંસની સફાઇ થઇ છે.૩ કાંસની અડધી સફાઇ થઇ છે.જ્યારે,૨૪ કાંસની સફાઇ થઇ જ નથી.પ્રાથમિક શિક્ષણાધિકારી પાન્ડેએ કહ્યું હતું કે,આ વખતે વરસાદના પાણીને કારણે ૨૩ પ્રાથમિક સ્કૂલોમાં પાણી ભરાયાં હતા.
વેમારની સ્કૂલના વર્ગોની મંજૂરી રિજેક્ટ કરી,ગાંધીનગરને પોઝિટિવ અભિપ્રાય આપ્યો
વડોદરા જિલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વર્ગોની મંજૂરીના મુદ્દે કેવી હેરાનગતિ કરવામાં આવે છે તેનો કિસ્સો વિપક્ષી નેતાએ રજૂ કર્યો હતો.
સદસ્યએ કહ્યું હતું કે,વેમાર ગામની ભક્તિ નંદન સ્કૂલે ધોરણ-૧થી ૫ની મંજૂરી માટે જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગને અરજી કરી હતી.પરંતુ તેમણે જુદીજુદી માહિતી માંગીને અરજી રિજેક્ટ કરી હતી.
જેથી શાળા સંચાલકોએ ગાંધીનગર ખાતે અપીલ કરી હતી.સ્કૂલ જે તે સ્થિતિમાં હતી અને તેમાં કોઇ જ ફેરફાર કરાયો નહતો. ગાંધીનગરના સત્તાધીશોએ જિલ્લા પંચાયત પાસે અભિપ્રાય માંગતા તેમણે પોઝિટિવ અભિપ્રાય આપ્યો હતો અને ત્યારબાદ મંજૂરી મળી હતી.આમ,કોઇ પણ કારણ વગર મંજૂરી નહિ આપીને હેરાનગતિ કરવાની પંચાયતના શિક્ષણ વિભાગની પોલ ખૂલ્લી પડી હતી.