શાહરૃખખાનની ફિલ્મ પરથી બિચ્છુ ગેંગ બનાવીઃસાગરીતોએ બિચ્છુના ટેટુ દોરાવ્યા
વડોદરા,તા.22 જાન્યુઆરી,2021,શુક્રવાર
અસલમ બોડીયાએ તેના ત્રણ સાગરીતો સાથે બિચ્છુ ગેંગ બનાવી હતી.જેમાં તબક્કાવાર સાગરીતો ઉમેરાતા ગયા હતા અને કુલ સંખ્યા ૨૭ ઉપર પહોંચી હતી.
બિચ્છુ ગેંગની સામે ગુજસીટોક કાયદા હેઠળ પહેલીવાર ગુનો નોંધાતા આ ગેંગની કુંડળી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડીએસ ચૌહાણ અને ટીમ કામ કરી રહ્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં અસલમ બોડીયાએ કેવી રીતે ગેંગ બનાવી અને તેની કાર્યપધ્ધતિ કેવી હતી તે દિશામાં સાગરીતોની પૂછપરછ કરતાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,નવાપુરાના અસલમ બોડીયાએ ૧૯૯૮માં નામચીન મુન્ના તડબૂચ, તનવીર ઉર્ફે તન્નુ અને અસ્ફાકની સાથે ટપોરીગીરી શરૃ કરી ગેંગની શરૃઆત કરી હતી.ત્યારબાદ ગોવાના રિઅલ એસ્ટેટ પર શાહરૃખખાન-ઐશ્વર્યા રાયની બનેલી ફિલ્મ જોશમાં બિચ્છુ ગેંગ બતાવી હોવાથી તેનું અનુકરણ કર્યું હતું.
અસલમ બોડીયાની ગેંગમાં આઠ થી દસ જણા સક્રિય બન્યા હતા અને ત્યારબાદ ધીમેધીમે આ સંખ્યા ૨૭ ઉપર પહોંચી હતી.ગેંગની ઓળખ માટે હાથ અને વાહનો પર કાઢી શકાય તેવા બિચ્છુના ટેટુ પણ દોરાવ્યા હતા.
નવાપુરા અને યાકુતપુરામાં ગેંગની બેઠકો હતી
અસલમ બોડીયાની બિચ્છુ ગેંગની શરૃઆત નવાપુરાથી થઇ હતી.આ ગેંગના સાગરીતો નવાપુરામાં અસલમના રહેણાંક વિસ્તારમાં ભેગા થતા હતા.ત્યારબાદ યાકુતપુરા વિસ્તારમાં પણ તેમની બેઠક શરૃ થઇ હતી.