Get The App

ભુખી કાંસનો સર્વે કરી એક્શન પ્લાન બનાવવામાં આવે: મીની નદીમાં ડાયવર્ઝન કરવામાં આવે

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
ભુખી કાંસનો સર્વે કરી એક્શન પ્લાન બનાવવામાં આવે: મીની નદીમાં ડાયવર્ઝન કરવામાં આવે 1 - image


Vadodara News : તાજેતરમાં વડોદરામાં આવેલા વિનાશક પૂર મામલે ગતરોજ પાલિકાની સામાન્ય સભામાં વોર્ડ નંબર 2ના કોર્પોરેટર અને પાણી પુરવઠા વિભાગના અધ્યક્ષ મહાવીરસિંહ રાજપુરોહિતે રજૂઆત કરી હતી કે, અમારા વિસ્તારમાં સીધેસીધા પાણી મંજુસર સીસવાથી લઈને છાણી થઈને પ્રવેશે છે. તેથી મારી માંગ છે કે, ભૂખી કાંસનું યોગ્ય સર્વે થાય, એક્શન પ્લાન બનાવવા સાથે યોગ્ય કામગીરી કરવામાં આવે. સિસવાથી આવતા પાણી શહેરમાં પ્રવેશે તેના કરતા મીની નદી મારફતે સીધા મહીસાગર નદીમાં ડાયવર્ટ કરવામાં આવે તો અમારા વિસ્તારમાં વરસાદી પાણીના પ્રશ્નનો કાયમી નિકાલ થાય તેમ છે. અમારા વોર્ડમાં બે, ચાર કામ ઓછા થશે તો ચાલશે પરંતુ વર્ષોથી જે વરસાદી પાણીનો ગંભીર પ્રશ્ન છે તેનો કાયમી નિકાલ લાવવો જોઈએ.

કોર્પોરેશનની સામાન્ય સભામાં વોર્ડ નંબર 2ના કોર્પોરેટર મહાવીર રાજપુરોહિતે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, અમારા વિસ્તારે વર્ષ 2005, 2014, 2019 અને છેલ્લે 2024માં આ વખતે ભયાનક પુર જોયું. અમારા વિસ્તારના લોકોની અપાર વેદના હું રજૂ કરું તો વોર્ડ નંબર 2 અંતર્ગત આવતા તમામ વિસ્તારમાં કેડ સમા પાણી હતા. અમારા વિસ્તારમાં જે પાણી આવે છે તે શહેરના છેવાડે ઉત્તર ભાગમાં આવેલ મંજુસર સિસવાથી આવે છે. તે પાણી અહીં છાણી તરફથી આવી સંતોક નગર, નટરાજ ટોકીઝથી કાલાઘોડા થઈ ભૂખિ કાસમાં જતું રહેતું હોય છે. પરંતુ બીજી તરફ જ્યારે વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના આજવાના ઉપરવાસમાં ખૂબ વરસાદ હોય તો અમારે ત્યાં પાણી નિકાલની ગંભીર પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે. ભૂખી કાસનું છાણીથી પાણી સમા તરફ આવે ત્યાં દસ ફૂટના બે કન્વર્ટ મુકવામાં આવ્યા છે અને તે પછી નર્મદા કેનાલ પાસે એક મીટરનો પાઇપ મુકેલ છે એના માધ્યમ દ્વારા આ તમામ વરસાદી પાણી અમારા વિસ્તારમાં આવે છે. 

એકતા નગર પાસે સાત મીટરનું વહેણ છે જે પછી આગળ આવતા સાંકડું થવા લાગે છે. નિઝામપુરા ટ્રાન્સપોર્ટ હબ પાસે પાંચ મીટરનો કાસ બનાવ્યો છે જે એચડીએફસી બેન્ક પાસે ટર્ન લે છે ત્યારે સાડા ત્રણ મીટરનો થઈ સાંકડો થઈ જાય છે. ત્યાર પછી આગળ સૂર્ય પેલેસ પાસે પણ કાંસ સાંકડો થાય છે. એના કારણે પાણીનો ઝડપથી નિકાલ થઈ શકતો નથી. કાંસ વધુમાં વધુ ચાર મીટરનો છે પરંતુ હકીકતમાં તે સાંકડો થઈ જતા જળ પ્રવાહ 3 મીટર જ વહી શકે છે. આથી મોટાભાગનું પાણીનું વહેણ વારંવાર રોકાઈ જાય છે. એના કારણે ચોમાસામાં અમારા વિસ્તારમાં આવેલ અભિલાષાથી ચાણક્યપુરીનો માર્ગ વારંવાર બંધ થઈ જાય છે. ઉપરાંત સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ભગીરથ સોસાયટી, અંબિકા સોસાયટી, એકતાનગર, શુભલક્ષ્મી, સરસ્વતી, આકાશગંગા ઉપરાંત ઉત્તર ઝોનની મામલતદાર કચેરી અને સમા ગામમાં પાણી નિકાલની ગંભીર સમસ્યા ઊભી થઈ હતી. મારા વિસ્તારમાં ઉદભવેલી સમસ્યા અંગે મેં છાણીથી ચાલતા જઈ અમારા સમગ્ર વિસ્તારની મુલાકાત લીધી હતી. ત્યાં અનેક વરિષ્ઠ નાગરિકો અને સામાજિક કાર્યકર્તાઓની સાથે આર્કિટેકને પણ મળ્યો છું અને તેના આધારે તેઓએ રજૂ કરેલ સૂચન મેં સમગ્ર સભામાં રજૂ કર્યા છે.


Google NewsGoogle News