ભાયલીમાં પિતા અને પુત્રીના મોત બાદ ફરિયાદ દુબઇ મોકલવા પૈસાની ઉઘરાણીથી ત્રાસી આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું
રાજકોટમાં વિઝા કન્સલ્ટીંગનું કામ કરતા મૃતકના નજીકના ભાઇ સહિત બે સામે ગુનો
વડોદરા, તા.24 વડોદરા નજીક ભાયલીના એક ફ્લેટમાં ઝેરી દવાના કારણે પિતા અને આઠ વર્ષની પુત્રીના આપઘાત પ્રકરણમાં રાજકોટમાં વિઝા કન્સલ્ટીંગના કામ સાથે સંકળાયેલા મૃતકના એક નજીકના ભાઇ સહિત બે શખ્સો સામે આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો તાલુકા પોલીસે દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ભાયલીમાં લલીતા પાર્ટી પ્લોટ પાસે ફ્લોરેન્સ નામના ફ્લેટમાં ભાડેથી રહેતાં મૂળ રાજકોટના ચિરાગ મુકેશ બ્રહ્માણી (ઉ.વ.૪૧) અને તેની પુત્રી (ઉ.વ.૮)ના ઝેરી દવાથી મોત નિપજ્યા બાદ બંનેના મૃતદેહો મળ્યા હતાં. આ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ચિરાગે તેના પિતાને રાત્રે એક વીડિયો બનાવી મોકલ્યો હતો જેમાં કાળા રંગની એક ડાયરી સ્યૂસાઇડ નોટ લખી હોવાનું કહ્યું હતું. પોલીસે આ ડાયરી કબજે કરી હતી.
ગઇકાલે રાજકોટથી ચિરાગના વયોવૃધ્ધ પિતા તેમજ નાનો ભાઇ મયંક સહિતના સંબંધીઓ વડોદરા દોડી આવ્યા હતાં. આજે બંનેની અંતિમવિધી બાદ સ્યૂસાઇડ નોટના આધારે પોલીસે રાજકોટના બે શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે હું અગાઉ દોઢ બે વર્ષ સુધી દુબઇ હતો ત્યારે રાજકોટમાં વિઝા કન્સલ્ટીંગનું કામ કરતા નજીકના ભાઇ તેમજ અન્ય એક વ્યક્તિએ દુબઇ મોકલવા માટે કેટલીક વ્યક્તિઓને તૈયાર કરી હતી અને દુબઇ જવા ઇચ્છુકો પાસેથી પૈસા લીધા હતાં અને દુબઇ પૈસા મોકલ્યા હતાં.
જો કે લાંબા સમય સુધી દુબઇ જવા નહી મળતાં રાજકોટના બંને પાસેથી લોકોએ પૈસાની ઉઘરાણી શરૃ કરી હતી. બંને જણા મારી પાસે પૈસા પડાવવા માટે કડક ભાષામાં વાત કરતા હતા અને માનસિક રીતે હેરાન પરેશાન કરી નાંખ્યો હતો. મને ટોર્ચર કરતાં હતા કે તું પૈસા ખાઇ ગયો. તાલુકા પોલીસે ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે વધુ તપાસ હાથ ધરી છે.