ભારત માલા પ્રોજેક્ટ : ખેડૂતો વિરોધ સાથે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા
વાંધા સાંભળ્યા વગર જ જમીનમાં નોંધ પાડી દેવાતા રોષ
કલોલ અને માણસા તાલુકાના ખેડૂતોને ન્યાય નહીં મળે તો આંદોલનની પણ ચીમકી ઃ ખેડૂતોને સાથે રાખી જોઈન્ટ મેજરમેન્ટ પણ કરાયું નહીં
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના ચારે તાલુકામાંથી પસાર થઈ રહેલા ભારત માલા પ્રોજેક્ટને લઈ ખેડૂતોમાં પહેલેથી જ વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે ખેડૂતોના વાંધા સાંભળ્યા વગર જ તેમના જમીન રેકોર્ડમાં કાચી નોંધ પાડી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે ત્યારે આજે કલોલ અને માણસાના ખેડૂતો રજૂઆત માટે ગાંધીનગર કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને ન્યાયની માંગણી કરી હતી.
બનાસકાંઠાના થરાદથી અમદાવાદ સુધી ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ
હાઈવે એટલે કે ભારત માલા પ્રોજેક્ટમાં ગાંધીનગર જિલ્લાના કલોલ, માણસા, ગાંધીનગર અને
દહેગામ તાલુકાના ગામોની જમીન સંપાદિત થવાની છે. જેને લઇને ખેડૂતો છેલ્લા ઘણા સમયથી
આંદોલન ચલાવી રહ્યા છે અને કોઈપણ સંજોગોમાં તેમની જમીન સંપાદિત ના થાય તે માટે મથી
રહ્યા છે પરંતુ બીજી બાજુ સરકાર અને તંત્ર પણ કોઈ પણ ભોગે ભારતમાલા પ્રોજેક્ટ માટે
જમીન સંપાદિત કરવા માટે આગળ વધી રહ્યા છે. ત્યારે કલોલ અને માણસા તાલુકાના ગામોમાં
ખેડૂતોના વાંધા સાંભળ્યા વગર જ તેમના જમીન રેકોર્ડમાં કાચી નોંધ પાડી દેવામાં આવતા
ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. આ મામલે બાલવા ગ્રામ પંચાયત દ્વારા ખાસ જમીન સંપાદન
અધિકારી અને કલોલ પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી કે ભારત રાજપત્રના નોટિફિકેશનમાં જે સર્વે નંબર
દર્શાવવામાં આવ્યા છે જેમાં ૨૧ દિવસની અંદર લેખિતમાં ખેડૂતો દ્વારા પ્રાંત ઓફિસમાં
વાંધો આપવાનો હોય છે. જોકે તેની સુનાવણી હજી સુધી કરવામાં આવી નથી અને ગ્રામસભા પણ
બોલાવવામાં આવી નથી. જમીન સંપાદનના નવા કાયદાની કલમ ૨૬ પ્રમાણે વાસ્તવિક બજાર
કિંમત પણ નક્કી કરવામાં આવી નથી અને કોઈપણ જાતનું જોઈન્ટ મેજરમેન્ટ પણ કરવામાં
આવ્યું નથી. આ પ્રક્રિયા કર્યા પછી જ જમીન સંપાદન કરવાનું થાય છે. તેમ છતાં ૨૦
નવેમ્બરના રોજ ખેડૂતોની જમીનમાં સંપાદન અંગેની કાચી નોંધ પાડી દેવામાં આવી છે.
ત્યારે આજે આ ખેડૂતો ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા અને કલેકટરને
રજૂઆત કરી તાત્કાલિક અસરથી આ કાચી નોંધ રદ કરી દેવા માટે માંગણી કરી છે. ત્યારે
આગામી દિવસમાં ખેડૂતો આ મુદ્દે આંદોલન કરે તો નવાઈ નહીં.