ગેસ ચોરીના કૌભાંડને જરોદ પોલીસે રૃપિયા પડાવવાનું સાધન બનાવ્યું આપણો જે વ્યવહાર હતો તે આપી દીધો, અઢી લાખ પૂરા કર્યા, સાહેબ!

જરોદ પોલીસના વહીવટદાર હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ હજી ફરાર ઃ વચેટિયા ભરત જયસ્વાલને રિમાન્ડ

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
ગેસ ચોરીના કૌભાંડને જરોદ પોલીસે રૃપિયા પડાવવાનું સાધન બનાવ્યું  આપણો જે વ્યવહાર હતો તે આપી દીધો, અઢી લાખ પૂરા કર્યા, સાહેબ! 1 - image

વડોદરા, તા.3 વાઘોડિયા તાલુકાના જરોદ પાસે એલપીજી ટેન્કરમાંથી ગેસ ચોરીના ઝડપાયેલા કૌભાંડનો કેસ કર્યા  બાદ જરોદ પોલીસે આ કેસને એટીએમ મશીન બનાવી દીધું હોય તેમ શકમંદોને બોલાવીને તોડ પાડવાનો મોટો ખેલ શરૃ કર્યો હતો. આ ખેલમાં ગઇકાલે એસીબીએ ગોઠવેલી ટ્રેપમાં ઝડપાઇ ગયેલા  જરોદ પોલીસ સ્ટેશનના વહીવટદાર તરીકે ઓળખાતા હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ વતી લાંચની રૃા.૭૦ હજાર રકમ સ્વીકારતા ખાનગી શખ્સને ઝડપી પાડયા બાદ આજે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતાં. આ કેસમાં હેડ કોન્સ્ટેબલની ધરપકડ હજી બાકી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જરોદ પાસેથી ઝડપાયેલા ગેસચોરીના કૌભાંડમાં આરોપી તરીકે નામ દાખલ કરવાની ધમકી આપી એક ગોડાઉન માલિક પાસે જરોદ પોલીસ સ્ટેશનના વહીવટદાર તેમજ હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહે રૃા.૫ લાખની લાંચ માંગી હતી અને છેલ્લે રૃા.૨.૫ લાખ આપવાનું નક્કી થયું  હતું. લાંચની આ રકમ પૈકી રૃા.૧.૮૦ લાખ ગોડાઉનના માલિકે નિર્મલસિંહના સાથી ખાનગી વ્યક્તિ ભરત જગદીશચન્દ્ર જયસ્વાલ (રહે.શીવનંદન સોસાયટી, રેફરલ હોસ્પિટલ સામે, જરોદ)ના બેંક ખાતામાં જમા કરાવ્યા  હતા જ્યારે બાકીની લાંચની રકમ રૃા.૭૦ હજાર રોકડ સ્વીકારતા ભરત જયસ્વાલને એસીબીએ ઝડપી પાડયો હતો.

એસીબીએ આજે ભરત જયસ્વાલને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતાં. રિમાન્ડ અરજીમાં એસીબીએ જણાવ્યું હતું કે લાંચની રકમ સાથે ઝડપાયેલા ભરતે બાદમાં નિર્મલસિંહ સાથે ફોન પર વાત કરી હતી અને ભરતે કહ્યું હતું કે આપડો જે વ્યવહાર હતો તે આપી દીધો પતી ગયું સાહેબ, જુઓ મારે જે અઢી પુરા કરવાના હતા તે પુરા કરી દીધા આ વખતે નિર્મલસિંહે જણાવેલ કે એ તો તમે વાયદા પ્રમાણે પૂરા કર્યા જ નથી. આ ઉપરાંત અન્ય મુદ્દાઓની તપાસ માટે કોર્ટે એસીબીની રિમાન્ડ અરજીને ધ્યાનમાં રાખી ભરતને બે દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો  હતો.




Google NewsGoogle News