વડોદરામાં ભારત બંધનું એલાન નિષ્ફળ : નહિવત જોવા મળી બંધની અસર
Bharat Bandh Protest at Vadodara : આજે વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેની અસર વડોદરામાં ખાસ જોવા મળી ન હતી. વડોદરામાં વિવિધ સંગઠનોએ એકત્ર થઇને ભારત બંધના એલાનને સફળ બનાવવા માટે મંગળબજાર સહિતના બજારોમાં ફરીને વેપારીઓને બંધમાં જોડાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. વેપારીઓ દ્વારા સારો સહયોગ મળી રહ્યો હોવાનો દાવો આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
સમગ્ર મામલે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, તાજેતરમાં 1 ઓગસ્ટ, 2024ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ પર એક ચુકાદો આપવામાં આવ્યો છે. જેના વિરોધમાં આજે અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ દ્વારા એકત્ર થઇને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. આજે સવારે શહેરના મધ્યમાં આવેલા સુરસાગર પાસેના ગાંધીનગર ગૃહ બહાર મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો એકત્ર થયા છે. અને ભારત બંધને વડોદરામાં સફળ બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.
આ પણ વાંચો : ભારત બંધને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ, જામનગરમાં ચક્કાજામ તો વડોદરામાં દુકાનો બંધ કરાવાતાં ઘર્ષણ
આગેવાનોએ રેલી સ્વરૂપે નિકળીને શહેરના મંગળબજારમાં ફરીને વેપારીઓને ભાગત બંધમાં જોડાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. સાથે જ માઇક પર એનાઉન્સમેન્ટ કરીને ભારત બંધમાં જોડાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. જેમાં વેપારીઓ તરફથી સહયોગ મળી રહ્યો હોવાનો દાવો આગેવાનો-કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને ભારત બંધમાં જોડાવવા માટે અપીલ કરનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. રેલી દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આગેવાનો-કાર્યકરો દ્વારા પણ શાંતિ પૂર્વક લોકોને અપીલ કરીને શિસ્તબદ્ધ રીતે રેલી કાઢવામાં આવી હતી.