હોળી ધુળેટી પૂર્વે બજારમાં કેસૂડાંના ફૂલોનું વેચાણ શરૃ

નુકસાનકર્તા કેમિકલ રંગો સામે કેસૂડાંના ફૂલોનો રંગ એટલે 'સેફ હોલી'

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
હોળી ધુળેટી પૂર્વે બજારમાં કેસૂડાંના ફૂલોનું વેચાણ શરૃ 1 - image

, તા.20 હોળી - ધુળેટીનો તહેવાર નજીક આવતા જ બજારમાં કેસૂડાંનાં ફૂલોનું વેચાણ શરૃ થઈ ગયું છે. શરીરને નુક્સાનકર્તા કેમિકલ રંગોથી હોળી-ધુળેટી રમવાનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે કુદરતી કેસૂડાંનાં ફૂલોમાંથી બનતા રંગથી ''સેફ હોલી'' રમનારો પણ એક વર્ગ છે.

અગાઉના સમયમાં કેસૂડાંના ફૂલોમાંથી રંગ બનાવીને હોળી-ધુળેટીનો રંગોત્સવ ઉજવાતો હતો, પરંતુ ફૂલોમાંથી રંગ બનાવવાની માથાકૂટમાં પડયા વિના તૈયાર એકદમ ઘટ્ટ કેમિકલ રંગોનું પ્રમાણ વધી ગુયં છે. જો કે આપણે ત્યાં ફૂલોના રંગ વાપરવાની વર્ષો જૂની પરંપરા છે. ફૂલમાંથી 'ગુલાલ' બનાવી પાણીનો બગાડ ન થાય તે માટે માત્ર ગુલાલથી હોળી રમવાનું ઘણાને યોગ્ય લાગે છે.

ગ્રામજનો હોળીના તહેવાર પૂર્વે શહેરી સડકો પર કેસૂડાંના ફૂલો વેચીને આછી પાતળી આવક રળી લે છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદના જંગલોમાં કેસૂડાંના વૃક્ષો હજારોની સંખ્યામાં છે. 

જંગલો ઉપરાંત ખાનગી જગ્યામાં પણ કેસૂડાંના વૃક્ષો હોવાથી વૃક્ષોનો ચોક્કસ આંકડો નક્કી થઈ શકતો નથી, તેમ વન વિભાગના વર્તુળોનું કહેવું છે. વડોદરાથી બહાર નીકળતા હાઈવેની બંને બાજુ પર કેસૂડો ખીલી ઊઠયો હોવાથી તેનો અદ્ભુત નજારો જોવા મળે  છે.

માંડવી વિસ્તારમાં હોળી પૂર્વે ગામડાંના લોકો કેસૂડો વેચવા આવે છે

 વડોદરામાં માંડવી વિસ્તારમાં દર વર્ષે ગામડાના લોકો ગામડામાંથી કેસૂડો વીણી લાવીને વેચવા બેસે છે. આ સીઝનલ દંધામાં થોડું ગણું કમાઈ લે છે. હોળીના તહેવાર આડે થોડા દિવસ બાકી હોય ત્યારે જ ધંધો કરવા આવી જાય છે.જો કે કેસૂડાના રંગથી હોળી રમવાના માહાત્મ્ય સાથે સાથે ઘણાં લોકો ઉનાળાની આકરી ગરમીમાં કેસૂડાના પાણીથી નાહવાનું અને ઠંડક મેળવતા હોવાથી એક સામટી ખરીદી કરી લે છે. એક મહિલાનું કહેવું છે કે, આ વિસ્તારમાં ગામડામાંથી આવીને લોકો વર્ષોથી કેસૂડો વેચે છે. જેઓ પાસેથી ખરીદતા તેઓને રોજી પણ મળે છે.

દક્ષિણ ભારતમાં કેસૂડાના વૃક્ષને પવિત્ર મનાય છે

કેસૂડાનું વૃક્ષ અગ્નિનું પ્રતીક મનાય છે. દેવતાઓની પૂજામાં પણ તેના પુષ્પોનો ઉપયોગ થતો હોય છે. ભારતમાં આ વૃક્ષ વસંત ઋતુ સાથે સંકળાયેલું છે. દક્ષિણ ભારતમાં આ વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે અને તેના લાકડાનો ઉપયોગ હિન્દુ યજ્ઞાવિધિમાં કરાય છે.

કેસૂડાના ફૂલ અને બીજમાંથી આયુર્વેદિક ઔષધી બને છે

આયુર્વેદમાં કેસૂડાનો મહિમા વર્ણવ્યો છે. તેના ફૂલ અને બીજમાંથી ખાસ આયુર્વેદિક ઔષધીઓ બનાવાય છે. જેનાં થકી પેટ, ચામડી અને અન્ય રોગો સામે રક્ષણ મળે છે. 

આયુર્વેદ ઉપરાંત સિધ્ધ અને યુનાનીમાં વિવિધ રોગોની સારવાર માટે કેસૂડાના વૃક્ષના જુદા જુદા ભાગોમાંથી દવા બનાવાય છે. કેસૂડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી સ્નાન કરાવવાથી ઓરી-અછબડા-લૂ અને ગરમીના રોગથી રક્ષણ મળે છે.

કેવડિયા વિસ્તારમાં કેસૂડાના ઔ૬૫ હજાર વૃક્ષો

કેવડિયા - એકતાનગરમાં કેસૂડાના વૃક્ષો મોટી સંખ્યામાં છે. આ વિસ્તારમાં આશરે ૬૫ હજારથી વધુ વૃક્ષો છે. વસંતઋતુના આગમનની સાથે જ એકતા નગર આસપાસનો વિસ્તાર કેસૂડામય બની જાય છે. ફાગણિયા ફૂલો બેસતાં જ સમગ્ર વિસ્તારે જાણે કે કેસરી ચાદર ઓઢી હોય તેવું દ્રશ્ય સર્જાય છે. જેના કારણે જ તે ''ફ્લેમ ઓફ ફોરેસ્ટ'' કહેવાય છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કેસૂડા ટુર શરૃ કરાઈ

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કેસૂડા ટુરની શરૃઆત કરાઈ છે. આ ટુર વિધ્યાંચલની પર્વતમાળામાંથી શરૃ થાય છે. આ વખતે ટુરમાં જોડાયેલા મુંબઈ અને વડોદરાના પ્રવાસીઓએ જાપાનની ચેરી બ્લોસમ ઋતુ યાદ કરી હતી.

છોટાઉદેપુર પંથકમાં વર્ષો બાદ પીળો કેસૂડો ખીલ્યો

છોટાઉદેપુર નજીક આવેલા નાલેજ ગામ પાસે પીળો કેસૂડો ખીલી ઉઠયો છે. ખાખરાના વૃક્ષ પર પીળાં કેસૂડાંના ઝૂમખા જોવા મળી રહ્યા છે. સમગ્ર છોટાઉદેપુર પંથકમાં ઘણા વર્ષો બાદ પીળો કેસૂડો જોવા મળતા તેની રોનક કંઈક અલગ જણાઈ છે.




Google NewsGoogle News