બેઝમેન્ટમાં પૂરના પાણીથી પલળી ગયેલા પુસ્તકો સાત વર્ષ પછી પણ હટાવાયા નથી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના જનરલ એજ્યુકેશન બિલ્ડિંગની નીચે આવેલા બેઝમેન્ટમાં સાત વર્ષ અગાઉ પૂરના પાણીના કારણે પલળી ગયેલા સેંકડો પુસ્તકો હજી પણ એમના એમ છે.
એક સમયે યુનિવર્સિટીના પબ્લિકેશન યુનિટ દ્વારા આ બેઝમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પણ પૂર બાદ તેની સફાઈ કરવાની કે પુસ્તકો હટાવવાની તસ્દી સુધ્ધા લેવામાં આવી નથી.
મળતી વિગતો પ્રમાણે ચં.ચી.મહેતા ઓડિટોરિયમ બનાવવામાં આવ્યુ તે વખતે આ બેઝમેન્ટનો ઉપયોગ ઓડિટોરિયમમાં આવતા લોકોના વાહનોના પાર્કિંગ માટે કરવાની યોજના હતી.બેઝમેન્ટમાં ચં.ચી.મહેતા ઓડિટોરિયમમાંથી અને યુનિટ બિલ્ડિંગ ખાતેથી એમ બે જગ્યાએથી અવર જવર કરવાનો રસ્તો છે.
જોકે એ પછી બેઝમેન્ટનો ઉપયોગ યુનિવર્સિટી પબ્લિકેશન યુનિટ માટે થવા માંડયો હતો.૨૦૧૭માં આવેલા પૂરમાં બેઝમેન્ટમાં પુસ્તકો પલળી ગયા હતા.એ પછી બેઝમેન્ટ તરફ સત્તાધીશોએ ધ્યાન આપ્યુ નથી.અહીં સફાઈ સુધ્ધા કરાવવામાં આવી નથી.પલળી ગયેલા પુસ્તકો કોઈ પણ રીતે કામ લાગે તેવી નથી.આમ છતા તેને હટાવવામાં નથી આવ્યા.અહીંયા મુકાયેલા કબાટોને પણ પૂરના કારણે નુકસાન થયુ હતુ.
જોકે આ બેઝમેન્ટ અત્યારે તો લગભગ ભુલાઈ ગયુ હોય તેવી સ્થિતિમાં છે.જો તેની સાફ સફાઈ કરવામાં આવે તો તે ફરી પબ્લિકેશન યુનિટ માટે કે બીજા કોઈ પ્રોજેકટ માટે ઉપયોગમાં લઈ શકાય તેમ છે.