ટ્રાફિકજામની સમસ્યા હળવી કરવા અટલબ્રિજ અને શાસ્ત્રીબ્રિજ વચ્ચે બેરિકેડ મુકાયા
કરોડોના ખર્ચે તૈયાર અટલબ્રિજની ખામી ભરેલી ડિઝાઇનના કારણે ટ્રાફિક સમસ્યા
વડોદરા : વાહન ચાલકો માટે માથાના દુઃખાવા સમાન બની ગયેલ અટલ બ્રિજ અને શાસ્ત્રી બ્રિજ વચ્ચેના ટ્રાફિકઝોનમાં સમસ્યા હળવી કરવા માટે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા આજે બેરિકેડ લગાવવામાં આવ્યા હતા. તેનાથી ટ્રાફિક સમસ્યામાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ શાસ્ત્રી બ્રિજના પોલીટેકનિક કોલેજ પાસેના છેડા પર રોંગ સાઇડ જતા વાહનોની સમસ્યા યથાવત જોવા મળી હતી.
જો કે ટ્રાફિક હળવો કરવા શાસ્ત્રીબ્રિજના પોલીટેકનિક કોલેજના છેડા પાસેથી રોંગસાઇડ જતા વાહનોની સમસ્યા સામે પણ કાર્યવાહી કરવી જરૃરી છે
મુળ સમસ્યા અટલ બ્રિજની ડિઝાઇન છે.બ્રિજના બન્ને છેડા પર જ્યા બ્રિજ પુરો થાય છે ત્યાં બ્રિજ ચઢવામાં અને બ્રિજ ઉતરવાના બન્ને ભાગના ફાંટા પાડી દેવાયા છે. જેના કારણે બ્રિજની નીચેનો માર્ગ અત્યંત સાંકડો બની ગયો છે. બ્રિજ પરથી અને બ્રિજની નીચેથી આવતો ટ્રાફીક શાસ્ત્રી બ્રીજના છેડા પાસે ભેગો થાય છે અને ટ્રાફિક જામ સર્જાય છે. બીજી તરફ શાસ્ત્રી બ્રિજ સાંકડો છે એટલે વાહનો તેના પરથી ધીમી ગતિએ પસાર થાય છે. શાસ્ત્રી બ્રિજના પોલીટેકનિક કોલેજ તરફના છેડા પાસે બ્રિજ પરથી ઉતરતા કેટલાક વાહનો નવાયાર્ડ તરફ જવા રોંગસાઇડ યુટર્ન છે જેના કારણે પણ શાસ્ત્રી બ્રિજનો ટ્રાફિક અવરોધાય છે. આજે ટ્રાફિકની આ સમસ્યાને હળવી કરવા માટે અટલ બ્રિજ અને શાસ્ત્રી બ્રિજ વચ્ચેના રોડ પર 'બેરિકેડ'મુકવામાં આવ્યા હતા. જેના કારણે ટ્રાફિકમાં થોડી રાહત જોવા મળતી હતી પરંતુ શાસ્ત્રી બ્રિજના પોલીટેકનિક કોલેજના છેડા પાસે રોંગ સાઇડ જતા વાહનોને પણ રોકવા જરૃરી છે. હકિકતે બેરિકેડની વધુ જરૃર ત્યાં છે એટલે ત્યાં બેરિકેડ મુકવામાં નહી આવતા શાસ્ત્રી બ્રિજ પર તો ટ્રાફિકની સમસ્યા યથાવત જોવા મળી હતી.