Get The App

રણજીટ્રોફીમાં મુંબઇને હરાવવાનું બરોડાનું સપનું 26 વર્ષે શાકાર થયુંં

લેફ્ટ આર્મ સ્લો બોલર ભાર્ગવ ભટ્ટનો તરખાટ બન્ને ઇનિંગમાં મળીને 10 વિકેટ ઝડપી, બેટ્સમેન મિતેશ પટેલે 86 અને કેપ્ટન કૃણાલ પંડયાએ 55 રન ફટકાર્યા

Updated: Oct 14th, 2024


Google NewsGoogle News
રણજીટ્રોફીમાં મુંબઇને હરાવવાનું બરોડાનું સપનું 26 વર્ષે શાકાર થયુંં 1 - image


વડોદરા : અહીના બેસીએ સ્ટેડિયમ ખાતે રણજી ટ્રોફીની પ્રથમ મેચમાં બરોડાની ટીમે મુંબઇની ટીમને ૮૧ રનથી હાર આપી છે. આ જીત એટલા માટે મહત્ત્વની છે કે ૨૬ વર્ષ બાદ રણજી ટ્રોફીમાં બરોડાની ટીમે મુંબઇની ટીમને હરાવી છે. આ શાનદાર જીતનું શ્રેય ટીમ બરોડાના બેટ્સમેન મિતેશ પટેલ અને બોલર ભાર્ગવ ભટ્ટને જાય છે.

બરોડા ક્રિકેટ એસોસિએશનના નવનિર્મિત સ્ટેડિયમ ખાતે ૧૧ ઓક્ટોબરથી રણજી ટ્રોફી ટૂર્નામેન્ટનો પ્રારંભ થયો છે, જેમાં પ્રથમ મેચ બરોડા અને મુંબઇ વચ્ચે હતી. ૧૧ થી ૧૪ ઓક્ટોબર દરમિયાન રમાયેલી આ મેચમાં ટીમ કેપ્ટન કૃણાલ પંડયાની કેપ્ટનશિપ હેઠળ બરોડાએ પ્રથમ ઇનિંગમાં ૨૭૭ રન કર્યા હતા, જેમાં મિતેશ પટેલના ૧૫૪ બોલમાં ૮  બાઉન્ડ્રી સાથે ૮૬ રન અને અતિત શેઠે ૧૫૪ બોલમાં ૩ બાઉન્ડ્રી સાથે ૬૬ રનનો સમાવેશ થાય છે. અજિંક્ય રહાણેની કેપ્ટનશિપ હેઠળની મુંબઇની ટીમ પ્રથમ ઇનિંગમાં ૧૯૪ રનમાં જ ઓલ આઉટ થઇ ગઇ હતી. મુંબઇની ટીમને પ્રથમ ઇનિંગમાં ૧૯૪ રન સુધી જ સીમિત રાખવામાં ટીમ બરોડાના ડાબોડી બોલર ભાર્ગવ ભટ્ટનો મહત્ત્વનો ફાળો રહ્યો હતો. તેણે ૨૧ ઓવરમાં ૩ વિકેટ ઝડપી હતી, તો એ.એમ.સિંઘે પણ ૭.૨ ઓવરમાં ૩ વિકેટ ઝડપી  હતી.

બીજી ઇનિંગમાં બરોડાએ ૧૬૫ રન બનાવ્યા હતા, જેમાં કેપ્ટન કૃણાલ પંડયાના ૧૪૪ બોલમાં ૭ બાઉન્ડ્રી અને એક સિક્સર સાથે ૫૫ રન અને મહેશ પીઠીયાના ૬૦ બોલમાં ૩ સિક્સર સાથે ૪૦ રનનો સમાવેશ થાય છે. પ્રથમ ઇનિંગની ૮૩ રનની સરસાઇ સાથે બરોડાએ મુંબઇને ૨૪૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે બીજી ઇનિંગમાં મુંબઇની ટીમ ભાર્ગવ ભટ્ટના તરખાટ સામે ૧૬૮ રનમાં જ ઓલ આઉટ થઇ ગઇ હતી. ભાર્ગવ ભટ્ટે ૧૯.૪ ઓવરમાં માત્ર ૫૫ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી. 

ઇરાની ટ્રોફી જીતીને આવી હોવાથી મુંબઇની ટીમ ફોર્મમાં હતી

ઇરાની ટ્રોફી જીતીને આવી હોવાથી મુંબઇની ટીમ ફોર્મમાં હતી

બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમીને પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે વડોદરાનું પોતાનું સ્ટેડિયમ બનીને હવે તૈયાર છે ત્યારે આ ગ્રાઉન્ડ ઉપર બરોડાની ટીમે મુંબઇને હરાવીને ચાહકોને ગિફ્ટ આપી છે. બીસીએ ગ્રાઉન્ડ કોટંબી ખાતે રણજી ટ્રોફીની પ્રથમ મેચમાં જ મુંબઇને હરાવ્યું છે અને તે પણ એવા સમયે કે જ્યારે મુંબઇની ટીમ ઇરાની ટ્રોફી જીતીને આવી છે અને ફોર્મમાં છે. 

બીસીએ દ્વારા ક્રિકેટમાં સુધારા માટેની જે યોજનાઓ અમલમાં મૂકાઇ છે તેનું આ પરિણામ છે. ભવિષ્યમાં પણ આવા જ પરિણામોની આશા છે. કોટંબી ખાતે બીસીએનું સ્ટેડિયમ તૈયાર થવામાં લગભગ ૨૪૦ કરોડ રૃપિયાનો ખર્ચ થયો છે અને હજુ ૩૦ થી ૪૦ કરોડના ખર્ચનો અંદાજ છે. આવતા બે સપ્તાહમાં હાઇ વે થી સ્ટેડિયમ સુધી એક કિ.મી.ના રસ્તાની સરકાર તરફથી મંજૂરી મળવાની આશા છે. 


Google NewsGoogle News