બરોડા ડેરી ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ કાર્યકારી મંડળીઓને દૂધ મંડળીનો દરજ્જો આપશેઃખેડૂતોને 85 કરોડનો ભાવફેર આપ્યો

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
બરોડા ડેરી ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ કાર્યકારી મંડળીઓને દૂધ મંડળીનો દરજ્જો આપશેઃખેડૂતોને 85 કરોડનો ભાવફેર આપ્યો 1 - image

વડોદરાઃ બરોડા ડેરીની આજે મળેલી એજીએમમાં દૂધનું કલેક્શન વધારવા માટે કેન્દ્ર સરકારના આદેશ મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં ધિરાણ કરતી વિવિધ કાર્યકારી મંડળીઓને દૂધ મંડળીનો દરજ્જો આપવા માટે નિર્ણય લેવાયો હતો.જો કે હજી પુરતો અભ્યાસ કર્યા બાદ અને સરકારની મંજૂરી બાદ તેનો અમલ થશે.

વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિ.(બરોડા ડેરી)ની આજે કેલનપુર દાદા ભગવાન મંદિરે મળેલી એન્યુઅલ જનરલ મીટિંગમાં કેન્દ્ર સરકારની સહકારી સંસ્થાઓ વચ્ચે સહકારની અપીલના મુદ્દે સભાસદોને માહિતી આપવામાં આવી હતી.

ડેરીના પ્રમુખ દિનુમામા અને ઉપપ્રમુખ જી બી સોલંકીએ સભાસદોને કહ્યું હતું કે,કેન્દ્ર ના સહકાર મંત્રીએ સહકારી માળખું સમૃધ્ધ બનાવવા માટે સમાન મોડેલ પેટાકાયદા સહિતના મહત્વના સૂચનો કર્યા છે.જેને કારણે આગામી સમયમાં વડોદરા જિલ્લો, છોટાઉદેપુર જિલ્લો અને નર્મદા જિલ્લાના તિલકવાડામાં જ્યાં દૂધ મંડળી નથી અથવા તો બંધ હાલતમાં છે ત્યાં વિવિધ કાર્યકારી મંડળીઓ(પ્રાથમિક સેવા સહકારી સંસ્થા)ને દૂધ મંડળીનો દરજ્જો આપી દૂધ કલેક્શન માટે માન્યતા મળશે.આ મંડળીઓ ડેરીની સભાસદ પણ ગણાશે.

આ ઉપરાંત તમામ સહકારી સંઘો,એપી એમસી વગેરે દ્વારા નાણાંકીય વ્યવહારો જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક મારફતે કરવાની પણ સૂચના મળી છે.બરોડા ડેરી દ્વારા વધેલા નફામાંથી ભરપાઇ થયેલા શેર ભંડોળ પર ૧૨ ટકાથી વધુ ડિવિડન્ડ આપી શકતી નહતી.પરંતુ સરકારે મંજૂરી આપતાં હવે ૨૦ ટકા સુધી ડિવિડન્ડ આપી શકશે.આ ઉપરાંત ડેરીએ દૂધ ઉત્પાદકોને ૮૫ કરોડનો ભાવફેર આપ્યો છે.જ્યારે,ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર આ વર્ષે વધીને રૃ.૧૪૫૬ કરોડ થયું છે.

પ્રમુખ-મંત્રી જેવા લાભ મંડળીના સભાસદો અને સ્ટાફને પણ મળશે

બરોડા ડેરીની દૂધ મંડળીઓેના પ્રમુખ-મંત્રીઓને મળતા લાભો મંડળીના બીજા સભાસદો અને કર્મચારીને પણ આપવામાં આવશે.

બરોડા ડેરીની એજીએમ દરમિયાન વાઘોડિયા તાલુકાના વ્યારા ગામની મંડળીના પ્રતિનિધિ નારાયણભાઇએ દૂધ મંડળીના પ્રમુખ-મંત્રીને મરણોત્તર સહાય,વીમો, હેલ્થ અને શૈક્ષણિકને લગતી સહાય જેવા લાભો પ્રમુખ અને મંત્રીને મળે છે તે લાભ કમિટીના બીજા સભાસદોને પણ મળે તેવી રજૂઆત કરી હતી.

જે સંદર્ભમાં ડેરીના ઉપપ્રમુખે સામાન્ય સભામાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તેમાં લીટર દૂધે ૩૦ પૈસા કાપી અલાયદું  ભંડોળ ઉભું કરવાની રજૂઆત કરતાં સભાસદોએ તેને મંજૂરી આપી હતી.જેથી હવે દૂધ મંડળીના વહીવટ કરતા બીજા સભ્યો અને કર્મચારીઓને પણ બીજા લાભ મળશે.


Google NewsGoogle News