Get The App

બરોડા ડેરીના ટેમ્પોમાંથી થતી દૂધચોરી અને ભેળસેળ ગ્રામજનોએ ઝડપી પાડી : ડેરીના અધિકારીઓ સ્થળ છોડી ભાગ્યા

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
બરોડા ડેરીના ટેમ્પોમાંથી થતી દૂધચોરી અને ભેળસેળ ગ્રામજનોએ ઝડપી પાડી : ડેરીના અધિકારીઓ સ્થળ છોડી ભાગ્યા 1 - image


Baroda Dairy Controversy : વડોદરા જીલ્લાના દૂધ ઉત્પાદકો પાસેથી દુધનો જથ્થો લઈને બરોડા ડેરીમાં પહોચાડતા ટેમ્પો દ્વારા રસ્તામાં દુધની ચોરી કરવામાં આવતી હોવાની ઘટના સાવલી તાલુકામાં સામે આવી છે. જ્યાં ગ્રામજનોએ જાતે જ રેકી કરીને ટેમ્પો ચાલકોને દૂધ ચોરી કરતા ઝડપી પાડીને ડેરીના સત્તાધીશોને જાણ કરી છે. જોકે સમગ્ર મામલે બરોડા ડેરી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? તેની માહિતી મળી નથી. 

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના કરચિયા સહીતના આસપાસના ગામોની દૂધ મંડળીઓમાંથી પશુપાલકોએ ભરેલું દૂધ બરોડા ડેરી સુધી પહોચાડવા માટે તણામન રૂટ પર બરોડા ડેરી દ્વારા નક્કી કરેલો ટેમ્પો દુધના કેન કલેક્ટ કરતો હતો જે ટેમ્પોમાં દૂધ બરોડા ડેરી ખાતે પહોચતું હતું. છેલ્લા ઘણા સમયથી મંડળી દ્વારા મોકલવામાં આવતા દૂધ અને બરોડા ડેરીમાં પહોચતા દુધના ફેટમાં તાફત આવતા મંડળીને આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો. જેને લઈને ગ્રામજનોને દુધની ચોરી કરીને તેમાં પાણીની મિલાવટ થતી હોવાની શંકા ઉભી થઇ હતી. આ મામલે ગ્રામજનોએ દૂધ લઈને જતા ટેમ્પો પર વોચ ગોઠવવાનું નક્કી કર્યું હતું. જેમાં ટેમ્પો ચાલકે દૂધ મંડળીઓ પરથી દૂધ કલેક્ટ કર્યા બાદ અવાવરી જગ્યા પર જઈને કેનમાંથી દૂધ કાઢીને પાણીની ભેળસેળ કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી હતી. ગ્રામજનો અને દૂધ મંડળીના સંચાલકોએ ગત રાત્રીના સમયે ટેમ્પોમાંથી દૂધચોરી કરતા ટેમ્પો ચાલકોને ઝડપી પાડીને બરોડા ડેરીના સત્તાધીશોને જાણ કરી હતી. સમગ્ર મામલે ડેરીને જાણ થતા બરોડા ડેરીને અધિકારીઓની એક ટીમ સ્થળ પર મોકલી હતી. જે બાદ અધિકારીઓ પણ એકાએક પલાયન થઇ જતા ગ્રામજનોએ બરોડા ડેરીના સત્તાધીશો પર પણ આક્ષેપો કર્યા હતા અને સમગ્ર દૂધચોરી મામલે તપાસ કરીને કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

 બરોડા ડેરીના ઉપપ્રમુખ જી.બી સોલંકીએ આ મામલે જણાવ્યું હતું કે, ગ્રામજનોની ફરિયાદ મળતા જ ડેરીના અધિકારીની ટીમ સ્થળ પર પહોચી હતી. તમામ ઘટનાના વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી સાથે પંચકયાસ પણ કરવામાં આવ્યું છે. જે બાદ હવે અધિકારી કક્ષાએ તેની તપાસ કર્યા બાદ ચોરીમાં સંડોવાયેલા ટેમ્પો ચાલક અને ઈજારદાર સામે કાર્યવાહી કરવામાં આવશે.


Google NewsGoogle News