બરોડા ડેરી દ્વારા દૂધમાં લીટરે રૃ.2 નો ભાવ વધારો ઝીંકાયો
વડોદરાઃ બરોડા ડેરી દ્વારા વધુ એક વાર દૂધના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.આ વખતે ડેરીએ દૂધની તમામ બ્રાન્ડમાં લીટરે રૃ.2નો વધારો જાહેર કર્યો છે.
અમૂલ દ્વારા થોડા સમય પહેલાં દૂધનો ભાવ વધારો જાહેર કરાયા બાદ બરોડા ડેરીએ પણ દૂધમાં ભાવ વધારો જાહેર કર્યો છે.જેને કારણે અમુલ ગોલ્ડનું અડધો લીટરનું પાઉચનો ભાવ પહેલાં રૃ.31 હતો તે આવતીકાલે તા.૧લી એપ્રિલ થી રૃ.32 થશે.
આ ઉપરાંત અમૂલ શક્તિ,અમૂલ ગાય, અમૂલ તાઝા અને અમૂલ સ્લીમ એન્ડ ટ્રીમ ના અડધા લીટરના પાઉચમાં પણ રૃ.1 નો ભાવ વધારો કરવામાં આવ્યો છે.જ્યારે,ગોલ્ડ અને શક્તિના 5 લીટરના પાઉચમાં રૃ.10 અને તાઝાના 6 લીટરના પાઉચમાં રૃ.14નો વધારો કરવામાં આવ્યો છે.
બરોડા ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખે આપેલા રાજીનામા બાદ આજે મળેલી બોર્ડ મીટિંગમાં અધ્યક્ષ પદ ડેરીના ડિરેક્ટર અને જિલ્લા ભાજપના પ્રમુખ સતિષ નિશાળીયાએ સંભાળ્યું હતું.આ મીટિંગમાં પશુઆહારની ચીજોમાં થયેલી મોંઘવારી, ગેસ, વીજળી અને મજૂરીના ભાવ વધારા જેવા કારણોની ચર્ચા કરી દૂધ ઉત્પાદકોને કિલોફેટે રૃ.૨૦નો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો હતો.જેથી હવે તેમને કિલોફેટે રૃ.૭૭૦ નો ભાવ મળશે.આ ઉપરાંત આવતા મહિને પ્રમુખ-ઉપપ્રમુખની નવી ચૂંટણી આવી રહી હોવાથી થોડા સમય પહેલાં ડેરીના કાર્યકારી પ્રમુખ જી બી સોલંકીએ આપેલું રાજીનામું બોર્ડની મીટિંગમાં નામંજૂર કરી તેમને હાલપુરતા ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો.
અમૂલની વિવિધ બ્રાન્ડના અડધા લીટરના પાઉચનો નવો ભાવ
દૂધની બ્રાન્ડ જૂનો ભાવ રૃ.(૫૦૦ મિલી) નવો ભાવ રૃ.(૫૦૦ મિલી)
ગોલ્ડ ૩૧ ૩૨
શક્તિ ૨૮ ૨૯
ગાય ૨૬ ૨૭
તાઝા ૨૫ ૨૬
સ્લીમ એન્ડ ટ્રીમ ૨૨ ૨૩