બીસીએ દ્વારા આઈપીએલની જેમ બરોડા પ્રિમિયર લીગ શરુ કરાશે
વડોદરાઃ આઈપીએલના કારણે ટી-૨૦ ક્રિકેટની લોકપ્રિયતા આસમાને છે.જેમાંથી પ્રેરણા લઈને બરોડા ક્રિકેટ એસોસિએશને પણ વડોદરાની પોતાની ટી-૨૦ પ્રિમિયર લીગ શરુ કરવાનુ નક્કી કર્યુ છે.જે બરોડા પ્રિમિયર લીગ તરીકે ઓળખાશે.
બીસીએના સૂત્રોનુ કહેવુ છે કે, આઈપીએલની ફ્રેન્ચાઈઝી સતત પ્રતિભાશાળી યુવા ક્રિકેટરોની શોધમાં રહે છે.જે તેમના માટે આઈપીએલમાં જબરદસ્ત દેખાવ કરી શકે.બીસીએ દ્વારા પણ બરોડા પ્રિમિયર લીગ યોજવા પાછળનો હેતુ એ છે કે, શહેરના પ્રતિભાશાળી ક્રિકેટરો આ ટૂર્નામેન્ટમાં સારો દેખાવ કરીને ફ્રેન્ચાઈઝીઓનુ ધ્યાન પોતાની તરફ ખેંચી શકે.આ ટુર્નામેન્ટના કારણે તેમને આઈપીએલમાં રમવા માટે તક મળે તેવી શક્યતાઓ વધી જશે.
બીસીએની ગણતરી છે કે, અત્યારે વર્ષ દરમિયાન રમાતી ટી-૨૦ મેચોની સંખ્યા પણ પૂરતી નથી.આ ટુર્નામેન્ટના કારણે ખેલાડીઓને વધુ ટી-૨૦ મેચો રમવાની તક મળશે.ઉપરાંત વડોદરાના ક્રિકેટ ચાહકોને પણ ટી-૨૦ મેચોની રોમાંચકતા માણવાનો મોકો મળશે.
તાજેતરમાં મળેલી બીસીએની એપેક્સ કાઉન્સિલમાં આ મુદ્દા પર ચર્ચા થઈ હતી.બરોડા પ્રિમિયર લીગ માટે બે પ્રકારના મોડેલ પર વિચારણા થઈ રહી છે.એક વિકલ્પ તરીકે આઈપીએલની જેમ જ ખાનગી કંપનીઓને વડોદરાના ખેલાડીઓની હરાજી કરીને ટીમ ઉતારવાનો મોકો આપી શકાય તેમ છે.અન્ય વિકલ્પ તરીકે બીસીએ પોતે જ આઈપીએલની તર્જ પર સમગ્ર ટૂર્નામેન્ટનુ આયોજન કરી શકે છે.
સૂત્રોનુ કહેવુ છે કે, આગામી દિવસોમાં બીસીએના સત્તાધીશો દ્વારા બેઠક બોલાવીને તેના પર વધુ ચર્ચા કરવામાં આવશે.આ વર્ષે આઈપીએલ બાદ બરોડા પ્રિમિયર લીગનુ લોન્ચિંગ થઈ શકે છે.મેચોના જિવંત પ્રસારણ કરવાની કવાયત પણ હાથ ધરી શકાય તેમ છે.મોટાભાગની મેચો વડોદરા-હાલોલ રોડ પર કોટંબી ખાતે નવા બનેલા સ્ટેડિયમમાં રમાડાશે.
નેપાળની ટીમ સાત દિવસની ટી-૨૦ ટૂર્નામેન્ટ રમવા માટે ગુજરાતમાં
વેસ્ટ ઈન્ડિઝમાં રમાનાર ટી-૨૦ વર્લ્ડ કપ પહેલા જરુરી પ્રેક્ટિસ મેળવવા માટે નેપાળની ટીમ ગુજરાતના પ્રવાસે આવી છે.નેપાળની નેશનલ ક્રિકેટ ટીમ વડોદરા અને ગુજરાતની સિનિયર ક્રિકેટ ટીમ સામે ટી-૨૦ મેચોની ટુર્નામેન્ટ રમી રહી છે.યોગાનુયોગ નેપાળની ટીમના કોચ મૃગાંક દેસાઈ પણ મૂળ ગુજરાતી છે.
ગુજરાતમાં પ્રતિભાશાળી ખેલાડીઓ હોવાથી અને અહીંયા ક્રિકેટની સુવિધાઓ સારી હોવાથી નેપાળની ટીમે વર્લ્ડ કપ પહેલા પ્રેક્ટિસ માટે ગુજરાતની પસંદગી કરી હોવાનુ નેપાળના કોચનુ કહેવુ છે.
સાત દિવસની ટી-૨૦ ટૂર્નામેન્ટની શરુઆત વાપી ખાતેથી થઈ છે.નેપાળના ક્રિકેટ એસોસિએશને આ પહેલા બરોડા ક્રિકેટ એસોસિએશન અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન સમક્ષ પ્રસ્તાવ મુકયો હતો અને બીસીસીઆઈની પણ મંજૂરી લીધી હતી.સાત એપ્રિલે આ ટુર્નામેન્ટની ફાઈનલ રમાશે.