પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવની સફળતાના પાયામાં રહેતા 80 હજાર કાર્યકરોની વિશિષ્ટ સભા યોજાઇ
સ્વયંસેવકોની નિષ્ઠાથી જ શતાબ્દી ન ભુતો ન ભવિષ્ય બન્યો, તમામનો આભાર માનીએ એટલે ઓછો છેઃ મહંતસ્વામી
તમામ સ્વંયસેવકોની સેવા ભાવનાએ સૌને નતમસ્તક કર્યા ઃ સંતો
અમદાવાદ,
પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ભવ્ય ઉજવણી પ્રમુખસ્વામી મહારાજનગરમાં સતત અવિરત 30 દિવસ સુધી કરવામાં આવી. જે ગુજરાતનો જ નહી પણ સમગ્ર ભારતનો સૌથી મોટો આધ્યાત્મિક મહોત્સવ બન્યો હતો. જેમાં 1.21 કરોડ મુલાકાતીઓ આવ્યા, સવા લાખથી વધુ લોકોએ વ્યસનમુક્તિનો નિયમગ્રહણ કર્યો , એક લાખ જેટલા બાળકોએ જરૂરિયાત વિના ઇન્ટરનેટનો ઉપયોગ નહી કરવા, માતા પિતા અને ગુરૂની આજ્ઞાને પાળવી, અભ્યાસમાં દઢ થવા સહિતના પાંચ નિયમગ્રહણ કર્યા હતા. પરંતુ, પ્રમુખસ્વામી મહા શતાબ્દી મહોત્સવની સફળતા પાછળ સંતો અને 80 હજાર સ્વયંસેવકોની રાત દિવસની મહેનત અને પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યેની અભિવંદના પાયામાં રહેલી છે. ત્યારે તમામ સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરવા માટે બુધવારે મહંત સ્વામી મહારાજ અને વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં 80 હજાર સ્વયંસેવકોની આભાર વ્યક્ત કરવા માટે પ્રમુખસ્વામી મહારાજનગરમાં ભવ્ય સભાનું આયોજન કરાયું હતું.
સંતોએ કહ્યું હતું કે અબાલ વૃદ્વ-સ્ત્રી પુરૂષ સૌ કોઇ અહિ સેવા અને સમર્પણના સાચા ભાવથી સમર્પિત થયા હતા. જેમાં પ્રમુખસ્વામી મહારાજનગરમાં વાહનોના પાર્કિંગથી માંડીને સંચાલન સુધી સમગ્ર નગરમાં તમામ આકર્ષણો અને પ્રદર્શનોની તમામ વ્યવસ્થામાં સંતો અને સ્વયંસેવકો દ્વારા આયોજન અને તેમની ભાવનાએ સૌને નતમસ્તક કર્યા હતા.
મંહત સ્વામી મહારાજે આર્શાવાદ પાઠવતા કહ્યું હતું કે આ ઉત્સવ ન ભૂતો, ન ભવિષ્યતિ થયો છે. આપ સૌ સંતો અને સ્વયંસેવકોનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. આ ઉત્સવ પ્રેરણાઓનો ઉત્સવ હતો. લાખોના જીવનને ઉન્નત બનાવવાનો હતો. આપને ખ્યાલ નથી કે આપે કેટલું મહાન કાર્ય કર્યું છે. આ સેવાથી આપનું ઘડતર થયું છે. અહી જે કોઇ મુલાકાતીઓ આવ્યા તેમને અંતરનો આનંદ થયો છે. આપ સૌએ સંપની ભાવનાથી આ કાર્ય કર્યું છે. તે ખૂબ મોટી વાત છે. શતાબ્દીમાં સેવા કરનાર સૌ સંતો અને સ્વયંસેવકોની જય હો.
આ ઉપરાંત, નગર માટે જમીન આપનાર, અનાજ કરિયાણા, મંડપ ડેકોરેશન, પાણી, સહિતની સપ્લાય કરનાર સેવકો, પોલીસ વિભાગ સહિતની મદદ કરનારનો પણ વિશેષ સભામાં આભાર માનવામાં આવ્યો હતો.