નર્મદા તેમજ મહી નદીમાં નાહવા બે દિવસ માટે મૂકાયેલો પ્રતિબંધ
પ્રતિબંધ ફરમાવતા જાહેરનામામાં વધુ સ્થળોનો સમાવેશ કરાયો ઃ બંને નદી કાંઠે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
વડોદરા, તા.23 ધુળેટી પર્વની લોકો ઉત્સાહપૂર્વક ઊજવણી કરવાના છે. વડોદરા જિલ્લાના ફાર્મહાઉસ અને રિસોર્ટ પર ધુળેટી પર્વ નિમિત્તે યોજાનારા કાર્યક્રમો પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવશે આ ઉપરાંત વડોદરા જિલ્લામાં મહી અને નર્મદા નદીના કાંઠે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતાં ડૂબી જવાની ઘટના બનતી હોય છે જેના પગલે શનિ અને રવિવાર એમ બે દિવસ બંને નદીઓના પ્રચલિત કાંઠા પર નાહવા પર જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા પ્રતિબંધ મૂકતું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે.
ધુળેટીની ઉજવણી બાદ વડોદરા શહેરમાંથી અનેક લોકો શહેર નજીક સિંઘરોટ ખાતેના મહી નદી પરના ચેકડેમ ખાતે ઉમટી પડતા હોય છે જેથી ચેકડેમ ખાતે લોકો ભેગા ના થાય અને ડૂબી જવાની કોઇ ઘટના ના બને તે માટે પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત રાખવામાં આવશે. જે કોઇ ચેકડેમ ખાતે જશે તેઓને રોકી પરત મોકલવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના કરજણ તાલુકાના નારેશ્વર અને શિનોર તાલુકાના દિવેર ગામે પણ નર્મદા નદીમાં લોકો નદી સ્નાન માટે ભેગા થતા હોય છે પરંતુ આ સ્થળે પણ લોકો એકત્ર ના થાય તે માટે નદી કિનારે વધુ પોલીસ કુમક ગોઠવી દેવાશે.
જિલ્લાના સાવલી તાલુકાના લાંછનપુર ખાતે મહી નદીમાં નાહવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે. આ સ્થળે ડૂબી જવાની પણ અનેક ઘટનાઓ બનતી હોય છે જેથી કોઇ માનવ જિંદગી ના હોમાય તે માટે પણ આ સ્થળે જતા લોકોને રોકવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ સમગ્ર જિલ્લાની પોલીસને ધુળેટીના દિવસે સ્ટેન્ડ ટુના આદેશ આપવામાં આવ્યા છે અને આખો દિવસ પોલીસનું પેટ્રોલિંગ સતત રહેશે. ઉલ્લેખનીય છે કે આ વખતે જાહેરનામામાં વધુ સ્થળોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે જેનો પ્રતિબંધિત સ્થળોમાં સમાવેશ થાય છે.