રેલવે ફ્રેઈટ કોરિડોર અને એક્સપ્રેસ વે માં ખેડૂતોને જમીનનું વળતર નહીં મળતા ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા
કરજણ તાલુકાના વધુ ૯ ગામમાં આજે બેનરો લગાડવામાં આવશે
વડોદરા, તા.20 રેલવે ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર અને એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનાર વડોદરા જિલ્લાના ખેડૂતોને પૂરતું વળતર નહીં મળતા નારાજ ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાડવાની શરૃઆત કરી છે. વડોદરા જિલ્લાના બે ગામમાં આજે બેનર લગાડી દીધા છે.
ગુરૃવારે કરજણ તાલુકાના બોડકા, હાંડોદ, કંબોલા, માગરોલ, કુરઈ, સૂરવાડા, પીંગલવાડા, સંભોઈ અને ખાંધા ગામમાં બેનર લગાડવામાં આવશે.
રેલવે ફ્રેઈટ કોરિડોર પ્રોજેક્ટ તથા એક્સપ્રેસ વે પ્રોજેક્ટમાં કરજણ તાલુકાના ૮, પાદરા તાલુકાના ૧૦, વડોદરા તાલુકાના ૧૭ અને સાવલીના ૧૭ ગામની જમીન ઉક્ત પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવી છે. જેના બદલામાં સુરત, વલસાડ, નવસારીના ખેડૂતોને જે વળતર ચૂકવ્યું છે તે મુજબ વડોદરા જિલ્લાના ખેડૂતોને પણ વળતર આપવા માગ થઈ રહી છે, પરંતુ કોઈ નિવેડો નહીં આવતા નારાજ ખેડૂતોએ આંદોલન શરૃ કર્યું છે. ખેડૂતોએ એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના નેજા હેઠળ હજી તાજેતરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કલેકટરને આવેદનપત્ર આપીને રેલી કાઢવાનું આયોજન કર્યું હતું. જેમાં ૯ ખેડૂત આગેવાનની અટકાયત કરી હતી. ચૂંટણી બહિષ્કારના બેનરમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, કોઈપણ પક્ષના નેતાઓએ ચૂંટણી બાબતે ગામમાં પ્રવેશ કરવો નહિં.