ડભોઇની મહાલક્ષ્મી બેંકના ઓફિસર ઉમેશ કંસારાને ૫ દિવસના રિમાન્ડ
અન્ય બે આરોપીઓ અંગે પૂછપરછ તેમજ સહીના નમૂના મેળવવામાં આવશે
વડોદરા, તા.11 ડભોઇની શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેન્કની હેડ ઓફિસના અધિકારીઓએ બે સંતોની ખોટી સહીઓ કરી આચરેલા રૃા.૩.૧૫ કરોડના કૌભાંડમાં દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયેલા બેંકના ઓફિસરને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે સોમવાર સુધીના રિમાન્ડ પોલીસે મેળવ્યા છે.
ડભોઇની અગ્રણી શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઈલ કો. ઓ. બેન્કમાં
રૃા.૩.૧૫ કરોડની ઉચાપત અનઓપરેટ બે ખાતામાંથી થઇ હોવાનો પર્દાફાશ રિઝર્વે બેન્ક
દ્વારા કરાયા બાદ બેંક દ્વારા હાથ ધરાયેલી તપાસમાં સ્વામી દેવસ્વરૃપદાસ
ગુરુકૃષ્ણપ્રસાદ અને સંતપ્રિયદાસ કૃષ્ણપ્રસાદ, નીલકંઠધામ, ડભોઇના ખાતામાં અપૂરતુ બેલેન્સ હોવા છતાં અને બંનેને ચેકબુક આપી ન હોવા
છતાં બેંકમાં ફરજ બજાવતા જનરલ મેનેજર સુરેશભાઈ છોટાભાઈ પટેલ, આસિસ્ટન્ટ મેનેજર યતિન મહેન્દ્રપ્રસાદ જોશી અને ઓફિસર ઉમેશ શાંતિલાલ
કંસારા દ્વારા બંને ખાતેદારોના ખાતામાંથી ખોટી સહીઓ કરી, ચેક
પાસ કરીને રૃપિયા ઉપાડી લઇ બેન્કને આથક
દેવામાં ડૂબાડી હતી.
આ અંગે બેંકના મેનેજર ગૌરાંગ ચંદ્રકાંત પંચોલીએ ડભોઇ પોલીસ
સ્ટેશનમાં ત્રણે સામે ઉચાપતનો ગુનો દાખલ કરતા પોલીસે ત્રણેની તપાસ હાથ ધરી હતી.
દરમિયાન બેંકના ઓફિસર ઉમેશ કંસારા કેનેડાના ટોરેન્ટોથી દિલ્હી એરપોર્ટ પર આવતાં જ
એરપોર્ટ ઓથોરિટિએ ઉમેશની અટકાયત કરી ડભોઇ પોલીસને સોંપી દીધો હતો. પોલીસે આજે ઉમેશ
કંસારાને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ અને પુરાવા એકત્ર કરવા માટે પાંચ દિવસના
રિમાન્ડ મેળવ્યા હતાં.પોલીસે જણાવ્યું હતું કે આરોપીના સહીના નમૂના લેવાના છે જેને
તપાસ માટે મોકલાશે આ ઉપરાંત અન્ય આરોપીઓ અંગે વિગતો મેળવવાની છે.