ઓનલાઇન ઠગો માટે કમિશન લઇ બેન્ક એકાઉન્ટ આપનાર સુરતનો સાગરીત ઝડપાયો
વડોદરાઃ ઓનલાઇન ટાસ્ક ના નામે ઠગાઇ કરતી ગેંગના ચક્કરમાં સપડાયેલી મહિલાએ રૃ.૬.૯૩ લાખ ગૂમાવ્યા હતા.જેની તપાસ દરમિયાન સાયબર સેલે બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર સાગરીતને ઝડપી પાડયો છે.
વડોદરાની મહિલાને ઓનલાઇન ટાસ્ક કરવાની પાર્ટ ટાઇમ જોબની ઓફર આવી હતી.જેમાં ગૂગલ મેપ પર લાઇક આપવાની હતી.શરૃઆતમાં તેને કમિશન પેટે રકમ પણ મળી હતી.પરંતુ વધુ ટાસ્ક માટે ડિપોઝિટ ભરાવવાના નામે ઠગો મહિલા પાસે વધુને વધુ રકમ પડાવતા ગયા હતા.
ઇ વોલેટમાં મહિલાને તેના રિવોર્ડની રકમ દેખાતી હતી.પરંતુ આ રકમ તે ઉપાડી શકતી નહતી.જેથી તેને શંકા જતાં સાયબર સેલમાં ફરિયાદ કરી હતી.આ ફરિયાદને આધારે પીઆઇ બી એન પટેલ અને ટીમે જુદી જુદી બેન્કો પાસે વિગતો માંગી હતી.
જે પૈકી સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને દસેક દિવસ પહેલાં જ ઘર બદલનાર બેન્ક એકાઉન્ટ હોલ્ડર ચેતન ભરતભાઇ ભદાણીને પોલીસે સુરતથી ઝડપી પાડયો છે.પ્રાથમિક તપાસમાં તેણે કમિશન મેળવીને બેન્ક એકાઉન્ટ વાપરવા માટે આપ્યું હોવાની વિગતો ખૂલી છે.જેથી પોલીસે આગળની લિન્ક શોધવા માટે કવાયત હાથ ધરી છે.