ચૂંટણી દરમ્યાન બેફામ લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
ચૂંટણી દરમ્યાન બેફામ લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ 1 - image


મનસ્વીરીતે સાઉન્ડ સિસ્ટમ વગાડીને શાંતિ ડોળતા તત્વો સામે કાર્યવાહી કરાશે

ઉમેદવારે સભામાં કે વાહન પર પ્રચાર માટે લાઉડ સ્પીકરના ઉપયોગ માટે ચૂંટણી તંત્રની લેખિત પરવાનગી લેવી પડશે

ગાંધીનગર :  લોકસભાની ચૂંટણી દરમ્યાન ગાંધીનગર શહેર-જિલ્લામાં ધ્વનિ પ્રદૂષણ પેદા ન થાય તેમજ સામાન્ય નાગરિકોની શાંતિમાં ખલેલ ન પહોંચે, તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ગાંધીનગર દ્વારા જાહેરનામું બહાર પાડીને ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન બેફામ અને મનસ્વી રીતે લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરાશે.

આ અંગે ગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટ મેહુલ કે. દવે દ્વારા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, ગાંધીનગર લોકસભા સામાન્ય ચૂંટણી માટે આગામી તા. ૦૭મી મેના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન રાજકીયપક્ષોના ઉમેદવારો, કાર્યકર્તાઓ અપક્ષ ઉમેદવારો, ચૂંટણી એજન્ટો, સમર્થકો દ્વારા ચૂંટણી પ્રચાર ઝૂંબેશ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ મોટા પાયે કરવામાં આવે છે. પ્રચાર માટે ઊંચા અવાજે લાઉડ સ્પીકરોના ઉપયોગના કારણે ખૂબ જ ધ્વનિ પ્રદૂષણ પેદા થાય છે. સામાન્ય જનતાની શાંતિમાં ખલેલ પહોંચે છે. જેથી ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન બેફામ અને મનસ્વી રીતે લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ મૂકવાનું જરૃરી છે.

જાહેરનામામાં જણાવ્યા અનુસાર કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવ્યા બાદ જ સવારના ૬ કલાકથી રાતના ૧૦ કલાક સુધી થઈ શકશે. ચૂંટણી પ્રચાર માટે જાહેર મંચ ઉપર અથવા મોટર વ્હિકલ એકટ હેઠળના સક્ષમ અધિકારીની નિયમાનુસા૨ની ૫રવાનગી મેળવ્યા સિવાય કોઈપણ પ્રકારના વાહન પર ચૂંટણી પ્રચાર અર્થે કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકર મૂકી શકાશે નહીં.

તદુપરાંત, કોઈપણ પ્રકારના લાઉડસ્પીકરના ઉપયોગ માટે પરવાનગી મેળવ્યા પછી તેનો ઉપયોગ કરનારે તે વિસ્તારના પોલીસ મથકને અને સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીને તથા મદદનીશ ચૂંટણી અધિકારીને ઉપયોગ કરતાં પહેલાં લેખિતમાં જાણ કરવાની રહેશે. લેખિત ૫૨વાનગી વગ૨ કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે, તો ઉપયોગમાં લેવાયેલા લાઉડ સ્પીકર તથા લાઉડ સ્પીકર મૂકવા માટે ઉપયોગમાં લેવાયેલાં તમામ  ઉપકરણો જપ્ત ક૨વામાં આવશે. 


Google NewsGoogle News