હરણી લેકઝોન દુર્ઘટનામાં બોટના હેલ્પરની જામીન અરજી નામંજૂર
અન્ય આરોપીને મળેલા જામીનનો લાભ હાલના અરજદારને આપી શકાય તેમ નથી : અદાલત
વડોદરા,વડોદરાના હરણી તળાવમાં ન્યુ સનરાઈઝ સ્કુલના બાળકો ની બોટ પલટી જવાના બનાવમાં હરણી પોલીસે બોટના હેલ્પરની પણ ધરપકડ કરી હતી. રિમાન્ડ પૂરા થયા પછી જેલમાં ધકેલાયેલા હેલ્પરની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.
વાઘોડિયા રોડ ની ન્યુ સનરાઈઝ સ્કૂલના બાળકો હરણી લેકઝોન ખાતે ગત તા.૧૮ મી જાન્યુઆરીએ પિકનિક પર ગયા હતા. તે દરમિયાન બોટમાં ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડતાં બોટ પલટી ગઈ હતી.જેને કારણે ૧૨ માસૂમ બાળકો,શિક્ષિકા છાયાબેન સુરતી અને સુપરવાઇઝર ફાલ્ગુની પટેલ મળી કુલ ૧૪ જણાના મોત થયા હતા. વડોદરા ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિક તરવૈયાઓએ હિંંમત કરી ૧૮ જેટલા બાળકો અને બે શિક્ષકને બચાવી લીધા હતા.
આ બનાવમાં ફરિયાદ નોંધાયા પછી પહેલા જ દિવસે પોલીસે બોટના હેલ્પર અંકિત મહેશભાઇ વસાવા ( રહે. ગામ વિરોદ, પાંજરાપોળ) સહિત છ ની ધરપકડ કરી રિમાન્ડ લીધા હતા. રિમાન્ડ પછી જેલમાં ગયેલા આરોપી અંકિત વસાવાએ જામીન પર મુક્ત થવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી નામંજૂર કરતા એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ આર.બી.ઇટાલીયાએ નોંધ્યું હતું કે, આ ઘટનામાં ગુનાઇત બેદરકારી જણાઇ આવે છે. હાલના અરજદારનો રોલ જોતા પેરીટીનો લાભ આપી જામીન પર મુક્ત કરી શકાય તેમ નથી.