વૃધ્ધનું અપહરણ કરી માર મારવાના ગુનામાં બે આરોપીઓના જામીન નામંજૂર
વૃધ્ધના જે બે પુત્રો અને તેના 3 મિત્રોએ મળીને અપહરણ કરીને ચાકુની અણીએ દસ્તાવેજો પર સહી કરાવી લીધી હતી
વડોદરા : મકરપુરા એરફોર્સ પાસે રહેતા વૃધ્ધનું અપહરણ કરીને માર માર્યા બાદ ચાકુની અણીએ દસ્તાવેજો પર સહી કરાવી લેવાના ગુનામાં ઝડપાયેલા વૃધ્ધના બે પુત્રો સહિતના ચાર આરોપીઓ હાલમાં જેલમાં છે તે પૈકી બે આરોપીઓએ મુકેલી રેગ્યુલર જામીન અરજી કોર્ટે નામંજૂર કરી દીધી છે.
એરફોર્સ પાસે રહેતા ૫૮ વર્ષના નાગેશ્વરપ્રસાદ દરોગીપ્રસાદે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ જયરામનગરમાં રહે છે અને નીચેના માળે મકાન મિનાક્ષીબેન સોલંકીને ભાડે આપ્યુ છે તેઓ મને જમવાનું બનાવીને આપે છે. ગત તા.૩ એપ્રિલે મારા બે પુત્રો નોલેશપ્રસાદ અને કમલેશપ્રસાદ (બન્ને રહે. ગોકુલ ડુપ્લેક્સ, જામ્બુવા) અને તેની સાથે મનોજ રાજેન્દ્રપ્રસાદ કુશ્વાહ (ઉ.૫૧, રહે, વૈકુંઠધામ સોસાયટી, મકરપુરા) તથા તુષાર રામઅવતાર જાદવ (ઉ.૩૧, જયરામનગર, મકરપુરા) અને અમર જાદવ મારા ઘરે આવ્યા હતા અને મને ધમકાવી, મારમારી ગાળો બોલવા લાગ્યા હતા. મિનાક્ષીબેન છોડાવા આવતા તેમને પણ મારમાર્યો હતો જે બાદ મને બાઇક પર બેસાડીને મારા પુત્રના ઘરે લઇ ગયા હતા જ્યાં ઉપરના માળે મને બાંધીને ગોંધી રાખ્યો હતો બીજા દિવસે આ પાંચ જણા મને નોટરી પાસે લઇ ગયા હતા અને ચાકુ બતાવીને ધમકી આપીને દસ્તાવેજો પર સહીઓ કરાવી લીધી હતી.
આ કેસમાં પોલીસે નોલેશપ્રસાદ, કમલેશપ્રસાદ, મનોજ અને તુષારની ધરપકડ કરી લીધી છે તેઓના રિમાન્ડ પૂર્ણ થતાં હાલમાં જેલમાં છે. દરમિયાન મનોજ અને તુષારે રજૂ કરેલી રેગ્યુર જામીન અરજીના વિરોધમાં સરકારી વકીલ અનિલ દેસાઇએ કરેલી દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે અરજી નામંજૂર કરી દીધી છે.