વડોદરાના શંકરપુરા ગામે રેડ કરવા ગયેલા જિલ્લા ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલની હત્યાની કોશિશના ગુનામાં સરપંચના જામીન ના મંજૂર

Updated: Feb 23rd, 2024


Google NewsGoogle News
વડોદરાના શંકરપુરા ગામે રેડ કરવા ગયેલા જિલ્લા ક્રાઇમ બ્રાંચના  કોન્સ્ટેબલની હત્યાની કોશિશના ગુનામાં સરપંચના જામીન ના મંજૂર 1 - image


- આરોપીને આ તબક્કે જામીન આપવામાં આવશે તો સમાજ પર વિપરિત અસર પડશે : કોર્ટ 

વડોદરા,તા.23 ફેબ્રુઆરી 2024,શુક્રવાર

વડોદરા શહેર નજીક આવેલા શંકરપુરા ગામે દારૃની રેડ કરવા ગયેલા ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલા સરપંચની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં અન્ય આરોપીઓને પકડવાના બાકી છે.

શંકરપુરા ગામે રેડ કરવા ગયેલા કોન્સ્ટેબલ ભૂપતસિંહ પર સરપંચ મહેશ ગોહિલ અને તેના બે પુત્રો વિશાલ તેમજ મહેશે હુમલો કર્યો  હતો. કોન્સ્ટેબલને માર મારી જમીનમાં નીચે પાડી દઇ ગળું દબાવી દીધું હતું.

 દરમિયાન એલસીબીના અન્ય જવાનો આવી જતા બૂટલેગરો ભૂપતસિંહને છોડીને નાસવા લાગેલ પોલીસે પીછો કરી સરપંચ મહેશ ગોહિલને ઝડપી પાડયો હતો. પોલીસે થાર જીપ, સ્કોપયો, ટાટા હેરિયર સહિત ત્રણ વાહનો અને દારૂનો જથ્થો મળી કુલ રૂ.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે પોલીસે સરપંચ મહેશ ગોહિલની ધરપકડ કરી હતી. જેલમાંથી બહાર આવવા માટે આરોપીએ કરેલી જામીન અરજી સંદર્ભે મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી. બંને પક્ષની રજૂઆતો ધ્યાને લઇ એડિશનલ સેશન્સ જજ આર.એચ.પ્રજાપતિએ જામીન અરજી નામંજૂર કરી હતી. અદાલતે નોંધ્યું હતું કે, જો આ તબક્કે આરોપીને જામીન આપવામાં આવશે તો સમાજ અને પોલીસ કર્મચારીની કામગીરી પર વિપરિત અસર પડશે. તપાસ પ્રારંભિક તબક્કામાં છે. તેમજ અન્ય આરોપીઓને પકડવાના બાકી હોય ત્યારે આરોપીને જામીન પર મુક્ત કરવાનું ઉચિત જણાતું નથી.


Google NewsGoogle News