વડોદરાના માંજલપુરમાં સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતી મહિલા મેનેજરની જામીન અરજી નામંજૂર
Spa Rain Vadodara : વડોદરામાં માંજલપુરના રહેણાંક વિસ્તારમાં રોયલ સ્પાના નામે પરપ્રાંતીય યુવતીઓ પાસે દેહના સોદા કરાવવાના નેટવર્કનો પર્દાફાશ થયો હતો. આ કેસમાં પકડાયેલી મહિલા મેનેજરની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે. જેમાં એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે સાત યુવતીઓને છોડાવી હતી.
તુલસીધામ ચાર રસ્તા પાસે મણીનગર સોસાયટી નજીક આવેલા લીલેરિયા પેરેમાઉન્ટ નામના કોમ્પ્લેક્સમાં ધ રોયલ રિચ સ્પાના નામે બોડેલીનો તૌફિક ખત્રી પરપ્રાંતિય યુવતીઓને બોલાવી કૂટણખાનુ ચલાવતો હોવાની વિગતોને પગલે એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ડમી ગ્રાહક મોકલી છટકું ગોઠવ્યું હતું. ડમી ગ્રાહક સાથે એક યુવતનીને કઢંગી હાલતમાં ઝડપી પાડી હતી. જ્યારે અન્ય રૂમમાં બીજી છ યુવતીઓ મળી આવતાં તમામ પીડિતાઓને છોડાવવામાં આવી હતી.
પોલીસે કાઉન્ટર પર ગ્રાહકો સાથે ડીલ કરતી મેનેજર શબાના ઉર્ફે કાજલ ઇસ્માઇલ શેખ(સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસે,આજવારોડ મૂળ રહે.માહિમ વેસ્ટ,મુંબઇ)ની અટકાયત કરી તેની પાસેથી રોકડા રૂ.3200, મોબાઇલ તેમજ અન્ય ચીજો કબજે કરી હતી. શબાનાએ જામીન પર છૂટવા માટે કોર્ટમાં કરેલી અરજી એડિશનલ સેશન્સ જજ પ્રિયંકા અગ્રવાલે નામંજૂર કરી છે. સરકાર તરફથી વકીલ આર.એસ.ચૌહાણે રજૂઆતો કરી હતી.