ભરૃચ જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખના નશેબાજ પુત્રની જામીન અરજી નામંજૂર
બિલ ગામ રોડ પર વૃદ્ધ દંપતીને કારની ટક્કર મારતા પતિનું મોત થયું હતું
વડોદરા,વડોદરા નજીક બિલ ગામથી ભાયલી તરફ જવાના રસ્તા પર રાતે ભરૃચ જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખના નશેબાજ પુત્ર કેયૂરે વોકિંગમાં નીકળેલા દંપતીને પોતાની કારથી ટક્કર મારી હવામાં ઉછાળતા પતિનું મોત થયું હતું. આ ગુનામાં આરોપીની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.
બિલ કેનાલ રોડ શગુન પાર્ટી પ્લોટ પાસે ઓરો હાઇટ્સમાં રહેતા ૬૨ વર્ષના રાજેશભાઇ રણછોડભાઇ પટેલ ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. ગત તા.૧૩મી ઓક્ટોબરે જમીને તેઓ પત્ની રેશમાબેન સાથે ઘરેથી ચાલવા માટે નીકળ્યા હતા. બિલ ગામ તરફ જવાના રોડ પર ગોલ્ડનસન કોસમોસ મશીનરી પ્રા.લિ. નામની કંપનીના ગેટ પાસેથી પસાર થતા હતા. તે દરમિયાન નશેબાજ કાર ચાલક કેયૂર કમલેશભાઇ પટેલે ( રહે. કાસાલેક સાઇડ સોસાયટી, બિલ - ચાપડ રોડ)રોડની સાઇડ પર ચાલતા વૃદ્ધ દંપતીને જોરદાર ટક્કર મારતા તેઓ હવામાં ફંગોળાઇને જમીન પર પટકાયા હતા. અકસ્માતમાં રાજેશભાઇનું મોત થયું હતું. જ્યારે તેમના પત્ની રેશમાબેનનેે ગંભીર ઇજા થઇ હતી. આ ગુનામાં પકડાયેલા આરોપી કેયૂરની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે. અકસ્માત કરનાર કાર ચાલક કેયૂરની માતા અલ્પાબેન ભરૃચ જિલ્લા પંચાયતમાં ગત અઢી વર્ષની ટર્મમાં પ્રમુખ હતા.