Get The App

મેડિકલમાં એડમિશનના બહાને ૮૦ લાખ પડાવી લેનાર મહિલા ડોક્ટરની જામીન અરજી નામંજૂર

વિદ્યાર્થિનીનું એક વર્ષ બગડયું છે, આવા છેતરપિંડીના ગુનાઓ રોજબરોજ વધતા જાય છે

Updated: Apr 23rd, 2024


Google NewsGoogle News
મેડિકલમાં  એડમિશનના બહાને   ૮૦ લાખ પડાવી લેનાર મહિલા ડોક્ટરની જામીન અરજી નામંજૂર 1 - image

વડોદરા,શહેરના ડોક્ટરની  પુત્રીને પી.જી. મેડિકલમાં એડમિશન અપાવવાના બહાને  ૮૦ લાખ પડાવી લેવાના ગુનામાં મકરપુરા પોલીસે મહિલા ડોક્ટરની  ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી આગામી તા.૧૨ મી સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ  ગુનામાં હજી અન્ય આરોપીઓને પકડવાના બાકી છે.

સિંધવાઇ માતા રોડની નંદીગ્રામ સોસાયટીમાં રહેતા અને રાવપુરા ટાવર પાસે સ્વર હોસ્પિટલ  ધરાવતા ડો.રાજેશ માર્કંડભાઇ રાણેની પુત્રીને પી.જી. મેડિકલમાં એડમિશન અપાવવાના બહાને ઠગ ટોળકીએ ૮૦ લાખ પડાવી લીધા હતા. મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસમાં  ડો.શુભાંગિનીબેન કુમારસીંગ સંપત (રહે.ગેટ વે વિલા, ગુડા રોડ, નાગોલ, હૈદરાબાદ) ની ધરપકડ કરી પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા. તપાસ દરમિયાન એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે, ડો.શુભાંગિનીના એકાઉન્ટમાં ૧૬ લાખ ટ્રાન્સફર થયા હતા. જે રૃપિયા હજી રિકવર કરવાના બાકી છે. રિમાન્ડ પૂરા થયા પછી જેલમાં ગયેલા મહિલા ડોક્ટરે જામીન પર મુક્ત થવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. ફરિયાદી તરફે વકીલ પ્રવિણ ઠક્કરે કરેલી રજૂઆત અને તપાસ અધિકારીના સોગંદનામાને ધ્યાને લઇ એડિશનલ સેશન્સ જજ આર.બી.ઇટાલીયાએ અરજી નામંજૂર કરી હતી. અદાલતે નોંધ્યું હતું કે, પોલીસે નોટિસ મોકલી હોવાછતાંય આરોપીઓ તપાસમાં સહકાર માટે હાજર થયા નથી. તપાસના કાગળો પરથી જણાય છે કે, આરોપીઓનો ઇરાદો પ્રથમથી જ ઠગાઇ કરવાનો હતો. વિદ્યાર્થિનીનું એક વર્ષ બગડયું છે. આવા છેતરપિંડીના ગુનાઓ રોજબરોજ વધતા જાય છે. આ કામે તપાસ ચાલુ છે. જો જામીન પર મુક્ત કરવામાં આવે તો પુરાવાનો નાશ કરવા તેમજ મુદ્દામાલ સગેવગે કરવાની સંભાવના ઉપસ્થિત થાય તેમ છે.


Google NewsGoogle News