લેકઝોન બોટ દુર્ઘટનામાં પકડાયેલી મહિલા ડોકટરની જામીન અરજી નામંજૂર

દુર્ઘટના સ્થળ પર સુરક્ષાનું એકપણ સાધન નહતું, તેઓની નિષ્કાળજી સામાન્ય નથી : અદાલત

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
લેકઝોન બોટ દુર્ઘટનામાં પકડાયેલી મહિલા ડોકટરની  જામીન અરજી નામંજૂર 1 - image

 વડોદરા,હરણી લેકઝોન દુર્ઘટનામાં  ડેન્ટિસ્ટ વૈશાખી શાહના રિમાન્ડ પૂરા થતા જેલમાં મોકલી આપવામાં આવી હતી. આરોપીએ જામીન પર મુક્ત થવા માટે સેશન્સ કોર્ટમાં કરેલી અરજી અદાલતે નામંજૂર કરી છે.

ગત ૧૮ મી જાન્યુઆરીએ હરણી લેકઝોન ખાતે સર્જાયેલી બોટ દુર્ઘટનામાં ૧૨ બાળકો અને બે શિક્ષિકાના કરૃણ મોત નિપજ્યા હતા. જે અંગે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ ગુનામાં પોલીસે ગત તા. ૧૫ મી ફેબુ્રઆરીએ  ડો. વૈશાખી શાહની ધરપકડ કરવામાં આવી હતી. રિમાન્ડ પૂરા થતા તેને જેલમાં મોકલી આપવામાં આવી હતી. આરોપી વૈશાખી શાહે જામીન પર મુક્ત થવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી જણાવ્યું હતું કે, અમારી પ્રત્યક્ષ રીતે કોઇ સંડોવણી નથી. માત્ર ભાગીદારી લેખમાં નામ હોવાના કારણે અટક કર્યા છે. ઇન્સાફી કાર્યવાહી દરમિયાન  હાજ ર રહીશું. સરકારી વકીલ દ્વારા જામીન અરજી નામંજૂર કરવા રજૂઆત થઇ હતી.

બંને પક્ષની રજૂઆત ધ્યાને લઇ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર.બી.ઇટાલીયાએ આરોપીની જામીન અરજી નામંજૂર કરી નોંધ્યું હતું કે, તપાસના કાગળો જોતા સ્થળ પર સુરક્ષાનું એકપણ સાધન નહતું. તેઓની નિષ્કાળજી સામાન્ય નથી. પરંતુ, જોખમી પ્રવૃત્તિ એટલેકે બોટિંગ હતું જેમાં તુરંત મૃત્યુ સુધીનું જોખમ રહેલું છે. તે સામાન્ય માણસ પણ જાણી શકે ત્યારે ગુનાઇત બેદરકારી જ ગણી શકાય.જ્યારે કોઇ હેઝાર્ડિયસ પ્રવૃત્તિ થતી હોય ત્યારે કરાવનારની જવાબદારી અન્ય કરતા ખૂબ વધી જાય છે. તેના માટે જવાબદાર વ્યક્તિ એવો બચાવ ના લઇ શકે કે, પોતાને ખબર નહતી.

મોરબી દુર્ઘટના બાદ પણ આવા પ્રકારના બીજા બનાવો બન્યા છે. રોજબરોજ જાહેરમાં જોખમકારક પ્રવૃત્તિઓ કે કામગીરી કરનાર, ઇજારદાર વ્યક્તિઓ કે કોન્ટ્રાક્ટરો કે વિભાગ મારફતે બેદરકારી દાખવવામાં આવે છે. તેના કારણે નિર્દોષ લોકોના મૃત્યુ થાય છે. તપાસ હજી ચાલે છે. અરજદારને જામીન પર મુક્ત કરવા યોગ્ય પ્રથમદર્શનીય કેસ જણાઇ આવતો નથી.


Google NewsGoogle News