વાસણારોડ પરના ઇમિગ્રેશન કન્સલટન્ટની જામીન અરજી નામંજૂર
વિદેશ મોકલવાના બહાને લોકો પાસેથી ૩.૭૯ કરોડ પડાવી લીધા
વડોદરા,વાસણારોડ વિસ્તારના ઇમિગ્રેશન કન્સલટન્ટે વિદેશમાં વર્ક પરમિટ અપાવવાના નામે યુવકો સાથે છેતરપિંડી કરનાર આરોપીની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.
પ્રતાપનગર રોડ પર કૈલાસ ભવનમાં રહેતા ગૌરવ પંચાલે ગત તા. ૫ મી ડિસેમ્બરે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, જૂન-૨૦૨૨માં સોશ્યલ મીડિયા પર વિદેશમાં વર્ક પરમિટના નામે એક જાહેરાત જોઇ સંપર્ક કરતાં મને રૃબરૃ બોલાવવામાં આવ્યો હતો.
વાસણારોડ ખાતે ક્લાસિક કોમ્પ્લેક્સના બીજા માળે આવેલી ક્રિપા ઓવરસીઝ નામની ઓફિસમાં હું સંચાલક ભાવેશ અરવિંદભાઇ ચૌહાણ (રહે. વ્રજરાજ રેસિડેન્સી, ગોત્રી સમતા રોડ, મૂળ રહે. સુરત) ને મળતાં તેણે પોલેન્ડ મોકલી વર્ક પરમિટના વિઝા અપાવવા માટે અઢીલાખ માંગ્યા હતા.જેથી મેં એક લાખ ચૂકવ્યા હતા.પરંતુ ત્યારબાદ તેણે મને ઓફર લેટર નહિં આપી વાયદો કરતા શંકા પડી હતી.જેથી રૃપિયા પરત માંગતા તેણે મને ગાળો ભાંડી ભવિષ્ય બગાડી નાંખવાની ધમકી આપી હતી.
આરોપી ભાવેશે કુલ ૬૩ લોકો સાથે છેતરપિંડી કરી હતી. તેણે કુલ રૃપિયા ૩.૭૯ કરોડની છેતરપિંડી કરી હતી. ધરપકડ થયા પછી જેલમાં ગયેલા આરોપીએ જામીન પર મુક્ત થવા માટે કોર્ટમાં કરેલી અરજી અદાલતે નામંજૂર કરી છે.