નિવૃત્ત પોલીસ અધિકારીના ભાઇ સહિત ચારની જામીન અરજી નામંજૂર
જમીનના વહિવટ માટે આપેલી પાવર ઓફ એટર્નીનો દુરૃપયોગ કર્યો હતો
વડોદરા, શેરખી ગામે પચાવી પાડેલી જમીનનો બારોબાર દસ્તાવેજ કરી લેનાર નિવૃત્ત પોલીસ અધિકારીના ભાઇ સહિત છ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ થઇ હતી. જે કેસમાં આગોતરા જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં થયેલી અરજી અદાલતે નામંજૂર કરી છે.
મુંબઇમાં બી.જે.રોડ પર દત્તાણી પેલેસમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા સંજય કનુભાઇ પટેલે તાલુકા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી. જેની વિગત એવી છે કે,એક જમીનના વહિવટ માટે નવિન રતિલાલ પટેલ (રહે.વાસણારોડ)ને પાવર ઓફ એટર્ની આપી હતી.
આ પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ કરીને નવિને વર્ષ-૨૦૦૭માં રાજેન્દ્રસિંહ જાડેજાને તેમજ સંયુક્ત ખાતે ચાલતી અન્ય જમીનનો દસ્તાવેજ નિવૃત્ત પોલીસ અધિકારીના ભાઇ તખુભા દાજીરાજ જાડેજાને કરી આપ્યો હતો અને બાદમાં જમીન પર કબજો કરી લીધો હતો. આ કેસમાં આગોતરા જામીન મેળવવા માટે તખુભા દાજીરાજ જાડેજા, ધર્મરાજ રાજેન્દ્રસિંહ જાડેજા, વર્ષાબેન રાજેન્દ્રસિંહ જાડેજા તથા નિશાબા રાજેન્દ્રસિંહ જાડેજાએ કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી એડિશનલ સેશન્સ જજ એમ.ડી.પાંડેએ નામંજૂર કરી છે. સરકાર તરફે વકીલ અનિલ દેસાઇએ રજૂઆતો કરી હતી.