ભરૃચ જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખના નશેબાજ પુત્રની જામીન અરજી નામંજૂર

બિલ ગામ રોડ પર વૃદ્ધ દંપતીને કારની ટક્કર મારતા પતિનું મોત થયું હતુંઃ તેના મિત્રને પણ જામીન ના મળ્યા

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
ભરૃચ જિલ્લા  પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખના નશેબાજ પુત્રની જામીન અરજી નામંજૂર 1 - image

 વડોદરા, ભાયલી તરફ જવાના રસ્તા પર રાતે ભરૃચ જિલ્લા  પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખના નશેબાજ પુત્ર કેયૂરે વોકિંગમાં નીકળેલા દંપતીને પોતાની કારથી  ટક્કર મારી હવામાં ઉછાળતા બંનેને ગંભીર ઇજા પહોંચી હતી.  દંપતી  પૈકી પતિનું મોત થયું હતું. આ ગુનામાં પકડાયેલા નશેબાજ ચાલક અને તેના મિત્રની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.

બિલ કેનાલ રોડ શગુન પાર્ટી પ્લોટ પાસે ઓરો હાઇટ્સમાં રહેતા ૬૨ વર્ષના રાજેશભાઇ રણછોડભાઇ પટેલ ડ્રાઇવર તરીકે કામ  કરતા હતા. ગત ૧૩મી ઓક્ટોબરે રાતે જમીને તેઓ પત્ની રેશમાબેન સાથે ઘરેથી ચાલવા માટે નીકળ્યા હતા. બિલ ગામ તરફ જવાના રોડ  પર ગોલ્ડનસન કોસમોસ મશીનરી પ્રા.લિ. નામની કંપનીના ગેટ પાસેથી  પસાર થતા હતા. તે દરમિયાન એક નશેબાજ કાર ચાલક કેયૂર  પટેલે રોડની સાઇડ પર ચાલતા વૃદ્ધ દંપતીને જોરદાર ટક્કર મારતા તેઓ હવામાં ફંગોળાઇને જમીન પર પટકાયા હતા. જેમાં દંપતી પૈકી પતિનું મોત થયું હતું. અકસ્માત પછી સ્થળ પર  આવેલા અને કારમાંથી દારૃની બોટલ કાઢવાની કોશિશ કરતા કેયૂરના મિત્ર દિવ્યાંગને પણ લોકોએ ઝડપી લીધો હતો. આ ગુનામાં પકડાયેલા કાર ચાલક કેયૂર કમલેશભાઇ પટેલ ( રહે. કાસાલેક સાઇડ સોસાયટી, બિલ - ચાપડ રોડ)ની ગત તા.૪થીએ  તથા તેના મિત્ર દિવ્યાંગ અર્જુનભાઇ મહેશ્વરી ( રહે. શક્તિ રેસિડેન્સી, તાજપુરા રોડ, પાદરા)ની ગત તા.૨૬મી ઓક્ટોબરે જામીન  અરજી એડિશનલ સેસન્સ જજ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કેયૂરની માતા અલ્પાબેન  ભરૃચ જિલ્લા પંચાયતમાં ગત અઢી વર્ષની ટર્મમાં  પ્રમુખ હતા.


Google NewsGoogle News