મકરપુરા શિવમ પેરેડાઇઝ ફ્લેટના એસોસિએશનના પ્રમુખની જામીન અરજી નામંજૂર
Vadodara News : વડોદરાના મકરપુરા શિવમ પેરેડાઇઝ ફ્લેટના એક ટાવરના પ્રમુખ, ઉપપ્રમુખ તથા મંત્રીએ એસોસિએશનના ભંડોળમાંથી 12.28 લાખ પોતાના અંગત ખર્ચમાં વાપરી નાંખ્યા હતા. આ ગુનામાં પકડાયેલા પ્રમુખની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.
મકરપુરા શિવમ પેરેડાઇઝ ફ્લેટમાં રહેતા દિલીપભાઈ મહિજીભાઈ વણકર મકરપુરા જીઆઇડીસીમાં નોકરી કરે છે. તેમના ફ્લેટના સભ્યોના કહેવાથી પ્રમુખ તરીકે સેવા આપે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, અમારા ટાવરના સભ્યોએ ભેગા મળી શિવમ પેરેડાઇઝ ટાવર જી એસોસિએશન નામનું મંડળ બનાવ્યું હતું. ટાવરમાં રહેતા પ્રદીપ કુમાર શર્માને પ્રમુખ, સમીર પવારને ઉપપ્રમુખ તથા ધર્મેન્દ્ર પટેલને મંત્રી બનાવ્યા હતા. પ્રમુખ, ઉપપ્રમુખ તથા મંત્રીએ એસોસિએશનના 12.28 લાખ રૂપિયા ઉપાડી લઈ છેતરપિંડી કરી હતી. આ ગુનામાં પકડાયેલા આરોપી પ્રદીપ ઓમપ્રકાશ શર્મા (રહે.હરિદર્શન પેલેસ, હવેલી પાસે, મકરપુરા) ની જામીન અરજી એડિશનલ સેશન્સ જજ એસ.બી.મનસુરીએ નામંજૂર કરી છે. સરકાર તરફે વકીલ એ.જે.વ્યાસે રજૂઆત કરી હતી.