રિજિયોનલ ફાયર ઓફિસરના એજન્ટની જામીન અરજી નામંજૂર
ગોધરાની એક ખાનગી બિલ્ડિંગ માટે ફાયર એનઓસી આપવા ફાયર ઓફિસર નિલેશ પટેલે લાંચ માંગી હતી
વડોદરા,ગોધરા ખાતે તૈયાર થયેલી પંચમહાલ ડેરીની એક બિલ્ડિંગમાં ફાયર એનઓસી આપવા માટે વડોદરાની વુડા બિલ્ડિંગમાં આવેલી રિજિયોનલ ફાયર ઓફિસના ક્લાસ વન અધિકારી રિજિયોનલ ફાયર ઓફિસર તેમજ તેમનો એજન્ટ ૨.૨૫ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ ગયા હતાં. જે કેસમાં એજન્ટની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.
ગોધરામાં પંચમહાલ ડેરીની બિલ્ડિંગનું ફાયર એનઓસી મેળવવા માટે ફાયર એનઓસીનું કામ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા વડોદરામાં વુડા સર્કલ પાસેની વુડા ઓફિસના ચોથા માળે કાર્યરત રિજિયોનલ ફાયર ઓફિસમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી બાદ તેની તપાસ ચાલતી હતી અને ફાયર એનઓસી લેવા માટે એનઓસીનું કામ કરતા કોન્ટ્રાક્ટર રિજિયોનલ ફાયર ઓફિસર નિલેશ ભીખાભાઇ પટેલ (રહે.સત્સંગવીલા, દેવસ્ય સ્કૂલ રોડ, વસ્ત્રાલ, ઓઢવ, અમદાવાદ)ને મળ્યા હતાં.
રિજિયોનલ ફાયર ઓફિસર નિલેશ પટેલે એનઓસી આપવા માટે રૃા.૨.૨૫ લાખની લાંચ માંગી હતી. આ લાંચની રકમ આપવી નહી હોવાથી આ અંગે એસીબીમાં ફરિયાદ આપતાં અરવલ્લી જિલ્લા એ.સી.બી.ના પીઆઇ એચ.પી. કરેણે સ્ટાફના માણસો સાથે વુડા બિલ્ડિંગના ચોથા માળે લાંચનુ છટકું ગોઠવી નિલશ પટેલ તેમજ તેના એજન્ટ તરીકે કામ કરતા અપૂર્વસિંહ રણજીતસિંહ મહિડા (રહે.માંગલેજ તા.કરજણ)ને ઝડપી પાડયા હતા. અપૂર્વે જામીન પર મુક્ત થવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. સરકારી વકીલ અનિલ દેસાઇએ અરજી નામંજૂર કરવા રજૂઆત કરી હતી. સ્પેશ્યલ જજ આર.એચ.પ્રજાપતિએ આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી. અદાલતે નોંધ્યું હતું કે, આ પ્રકારના ગુનાનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. આ પ્રકારના ગુનાથી દેશની આર્થિક વ્યવસ્થા પર વિપરીત અસર થાય છે.