પત્રકાર અને કેમેરામેન પર ખૂની હુમલો કરનાર આરોપીની જામીન અરજી નામંજૂર
રેતીખનનના કોન્ટ્રાક્ટર અને તેના મળતિયાઓ સામે હત્યાના પ્રયાસ અને રાયોટિંગનો ગુનો દાખલ થયો હતો
વડોદરા,શહેર નજીક કોટણા ખાતે પત્રકાર અને કેમેરામેન પર રેતીખનન કરતા કોન્ટ્રાક્ટર અને તેના મળતિયાઓએ હુમલો કર્યો હતો. આ કેસમાં જેલવાસ ટાળવા માટે આરોપીએ અદાલતમાં કરેલી આગોતરા જામીન અરજી નામંજૂર થઇ છે.
મહીસાગરના કોટણા બીચ ખાતે આજે સવારે બનેલા બનાવ અંગે એક અખબારના પત્રકાર જીગેન વોરાએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, હું તેમજ કેમેરામેન પ્રદીપ ચોબે રેતીખનનનું લાઇવ રિપોર્ટિંગ કરવા ગયા હતા ત્યારે લીઝ કોન્ટ્રાક્ટર વખતસિંહ અને ડમ્પર ડ્રાઇવર સહિતના ૧૫ જેટલા હુમલાખોરોએ પાઇપ તેમજ લાકડીઓ વડે હુમલો કર્યો હતો.જેથી અમને બંનેને ઇજાઓ થઇ હતી.
હુમલાખોરોએ અમે રૃપિયા માંગ્યા છે તેવો વીડિયો પણ બનાવડાવ્યો હતો.અમે બંને બાઇક પર નીકળી ગયા ત્યારબાદ રસ્તામાં મને ચક્કર આવતાં ૧૦૮ મારફતે હોસ્પિટલમાં દાખલ થયા હતા.નંદેસરી પોલીસે આ અંગે વખતસિંહ અને અન્ય સામે હત્યાના પ્રયાસ અને રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો. તપાસ દરમિયાન કોટણા ગામમાં રહેતા ગોહિલ કલ્પેશકુમાર લક્ષ્મણભાઇનું નામ ખૂલ્યું હતું. આરોપીએ આગોતરા જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. સરકારી વકીલ ડી.જે. નાળિયેરીવાળા તથા તપાસ અધિકારીની રજૂઆતો ધ્યાને લઇ એડિશનલ સેશન્સ જજ આર.એચ.પ્રજાપતિએ આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે.