રાજમહેલરોડ પર ચાકૂના ઘા ઝીંકનાર આરોપીની જામીન અરજી નામંજૂર
ગરબા જોવા માટે નીકળેલા યુવાનથી ધક્કો વાગતા આરોપીએ ઝઘડો શરૃ કર્યો હતો
વડોદરા,રાજમહેલરોડ પર ગરબા જોવા માટે નીકળેલા યુવાનથી ધક્કો વાગતા આરોપીએ તેના પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. જે ગુનામાં પકડાયેલા આરોપીની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.
બકરાવાડી વિસ્તારમાં રહેતા રવિ નામના યુવાને નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાત્રે વીર ભગતસિંહચોક ખાતે ગરબા જોવા જવાનું હોવાથી હું રાજમહેલરોડ પર ઉભેલા મારા કાકીને લેવા માટે ગયો હતો અને કાકીને લઇને ગાંધી ઝેરોક્ષ દુકાન પાસેથી નીકળતો હતો. તે સમયે સફેદ રંગનો શર્ટ પહેરેલ નયન નામના શખ્સને ભૂલથી ધક્કો વાગી જતાં નયને ગાળો બોલી ધક્કો કેમ માર્યો તેમ કહી ઝઘડો કર્યો હતો.
ત્યારબાદ નયનના અન્ય સાગરીતોએ મને ઘેરી લીધો હતો. નયને પેટ, છાતીના પડખામાં તેમજ કમરના ભાગે ઉપરાછાપરી ઘા માર્યા હતા. નવાપુરા પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી આરોપી નયન લાલજીભાઇ રાજપૂત ( રહે. વચલું ફળિયું, ગાજરાવાડી) ને ઝડપી પાડયો હતો. નયને જામીન પર છૂટવા માટે કોર્ટમાં કરેલી અરજી અદાલતે નામંજૂર કરી છે. સરકાર તરફે વકીલ એચ.આર.જોશીએ રજૂઆતો કરી હતી.