૧૬ વર્ષની કિશોરીને ભગાડી જનારની જામીન અરજી નામંજૂર
ગિરનાર અને સુરત લઇ જઇ આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યો હતો
વડોદરા,૧૬ વર્ષની કિશોરીને ભગાડી જઇ શારીરિક સંબંધ બાંધનાર આરોપીની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.
કપુરાઇ બ્રિજ પાસેથી આરોપી વિજય જીતુભાઇ સોલંકી ( રહે. ભોદા નગર સોસાયટી, વરાછા, સુરત) ૧૬ વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. કિશોરીને લઇને આરોપી સૌ પ્રથમ તેના વતન ગિરનાર ગયો હતો. ત્યારબાદ તે સુરત ગયો હતો. જ્યાં તેણે કિશોરી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. જે અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. આરોપીએ જામીન પર મુક્ત થવા માટે કોર્ટમાં અરજી કરી હતી. સરકારી વકીલ પી.સી. પટેલે આરોપીને જામીન નહીં આપવા માટે રજૂઆત કરી હતી. બંને પક્ષની રજૂઆતો સાંભળી એડિશનલ સેશન્સ જજ એમ.ડી.પાન્ડેયે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.અદાલતે નોંધ્યું હતું કે,આવા પ્રકારના ગુનાઓ દિન પ્રતિદિન વધતા જાય છે તેવા સંજોગોમાં આરોપીને જામીન પર મુક્ત કરવાથી તેની અસરોનું મૂલ્યાંકન કરી નિર્ણય લેવો જોઇએ. આરોપીની ભૂમિકા અને ગુના અંગેની જોગવાઇ જોતા જામીન અરજી મંજૂર કરવી યોગ્ય જણાતું નથી.