સરકારી કચેરીઓથી ધમધમતી નર્મદા ભવનના કાંગરા ખરવા લાગ્યા
વર્ષ-૨૦૨૨માં જ આ બિલ્ડિંગમાં સ્થળ તપાસ કર્યા બાદ સ્ટ્રક્ચરલ હેલ્થ, સ્ટેબિલિટિ ચેક કરવાની ભલામણ કરાઇ હતી
વડોદરા, તા.8 વડોદરા શહેરમાં સેન્ટ્રલ જેલની સામે આવેલ બહુમાળી સરકારી બિલ્ડિંગ નર્મદા ભવનના બ્લોક-સીની હાલત એકદમ ખરાબ થઇ ગઇ છે. આ બ્લોકના આઠ માળમાં આવેલી વિવિધ કચેરીઓમાં કર્મચારીઓ જીવના જોખમે નોકરી કરતાં હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં આ અંગે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પણ બિલ્ડિંગની હાલત ખરાબ થઇ ગઇ છે તે વાતને સ્વીકારી હતી.
ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ જેલની સામે ત્રણ બહુમાળી બિલ્ડિંગો આવેલી છે. એક બિલ્ડિંગ પોલીસ ભવન તરીકે ઓળખાય છે જ્યારે બીજી બિલ્ડિંગ સરદાર સરોવર પ્રોજેક્ટના તાબામાં છે જ્યારે ત્રીજી બિલ્ડિંગ સી વિંગમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર જનસેવા કેન્દ્ર, ગુજરાત પ્રવાસન નિગમ તેમજ સ્ટેમ્પ ડયૂટી, શ્રમ વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સામાજિક વિભાગ, એસીબી, સીઆઇડી સહિત અન્ય સરકારી કચેરીઓ આવેલી છે. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ પંચાયતની પણ ઓફિસ આ બિલ્ડિંગમાં કાર્યરત છે.
આ બિલ્ડિંગની હાલત એકદમ ખરાબ થઇ ગઇ હોવાનું જણાતા મે-૨૦૨૨માં માર્ગ અને મકાન શહેર વિભાગના બહુમાળી પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા સ્ટ્રક્ચરલ હેલ્થ એસેસમેન્ટ માટે બિલ્ડિંગનો સર્વે કરવામાં આવ્યો હતો. અધિકારીઓ અને કર્મચારીઓની તપાસણી દરમિયાન એવો રિપોર્ટ કરવામાં આવ્યો હતો કે સી બ્લોક બહુમાળી મકાનની મરામત અને જાળવણી કરવી જરૃરી છે.
સ્થળ મુલાકાત દરમિયાન બહુમાળી બિલ્ડિંગના કાંગરા ખરી પડયા હોવાનું જણાતા બિલ્ડિંગની સ્ટેબિલિટિ તેમજ સ્ટ્રક્ચરલ હેલ્થ ચેક કરવાની ભલામણ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા બિલ્ડિંગની ખસ્તા હાલત અંગે ફોટોગ્રાફ પણ લેવામાં આવ્યા હતાં જે પણ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતાં.
સ્લેબ પર ઠેરઠેર ગાબડાં, કોલમમાં પણ તિરાડો પડી ગઇ
- છતની પેરાપેટ વોલ નમી જતા કામચલાઉ ટેકા વડે સપોર્ટ અપાયો છે.
- સ્ટેરકેસ કેબિનના સ્લેબમાં કોંક્રિટ ઉખડી જતા સળિયા ખુલ્લા થઇ ગયા છે.
- ગ્રાઉન્ડ ફ્લોર પર અનેક જગ્યાએ છજાના બીમમાં મેજર ક્રેક પડી છે.
- બિલ્ડિંગના દરેક માળ પર છૂટાછવાયા સ્લેબના પોપડા ખરી પડયા છે.
- ગ્રાઉન્ડ ફ્લોરના પાર્કિગ એરિયાના કોલમમાં પણ ક્રેક દેખાતી થઇ ગઇ છે.
બિલ્ડિંગમાંથી મહેસૂલ કચેરીઓ પણ શિફ્ટ કરી દેવાઇ
નર્મદા ભવનમાં કાર્યરત મહેસૂલ વિભાગની મોટી કચેરીઓ પણ આ બિલ્ડિંગમાંથી ખાલી કરીને અન્ય સ્થળે કાર્યરત થઇ ગઇ છે. વડોદરા શહેર અને ગ્રામ્ય એસડીએમ તેમજ ગ્રામ્ય મામલતદારની કચેરીઓ કોઠી ખાતેની જૂની કલેક્ટર કચેરી ખાતે શિફ્ટ થઇ ગઇ છે. થોડા મહિના પહેલાં જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બિલ્ડિંગની ક્ષમતા ચકાસવા માટે કેટલાંક કર્મચારીઓએ દરેક ફ્લોર પર કામ કર્યું હતું.
વર્ષો જૂની લાઇન તૂટી જતા જનસેવા કેન્દ્રમાં પાણી ભરાયા હતાં
નર્મદા ભવનના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા જનસેવા કેન્દ્રમાં થોડા મહિના પહેલાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતાં. આ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે નર્મદા ભવનની પાણીની વર્ષો જૂની લાઇન તૂટી ગઇ હતી. જે તે સમયે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મરામત કરવામાં આવી હતી પરંતુ તે દિવસે જન સેવા કેન્દ્રમાં પાણી ભરાઇ જવાથી કામ નહી થતાં અનેક અરજદારો હેરાન પરેશાન થયા હતાં.