દુષ્કર્મ ગુજારનાર SBI ઓફિસર હાજર નહી થાય તો મિલકતની હરાજી
મેટ્રિમોનિયલ સાઇટ દ્વારા સંપર્ક થતાં યુવતીને લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું ઃ ઘરમાં જ માથામાં સિંદુર પૂરી મંગળસૂત્ર પહેરાવ્યું
વડોદરા, તા.4 મેટ્રીમોનિયલ સાઇટ પર લગ્ન માટે મૂકેલી પ્રોફાઇલ બાદ ૩૫ વર્ષની ઉંમરની યુવતીના સંપર્કમાં આવેલા સ્ટેટ બેંકના ઓફિસરે ઘરમાં જ યુવતીના માથામાં સિંદુર લગાવી મંગળસૂત્ર પહેરાવી લગ્ન કરી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગેનો કેસ પોલીસ સ્ટેશનમાં દાખલ થયા બાદ છ માસથી ફરાર બેંકના કર્મચારી સામે પોલીસે કલમ ૮૨ મુજબનું વોરંટ મેળવ્યું છે અને જો નિર્ધારિત સમયમાં હાજર ના થાય તો તેની મિલકતની હરાજી કરાશે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદની યુવતીના લગ્ન બાદ તે બે જોડીયા પુત્રોની માતા બની હતી પરંતુ બાદમાં ખબર પડી હતી કે પતિના અગાઉ બીજી સ્ત્રી સાથે લગ્ન થયા છે જેથી બંને સમજૂતીથી છૂટા પડી ગયા હતાં અને બાદમાં યુવતી તેના બે પુત્રો સાથે અમદાવાદથી વડોદરા રહેવા માટે આવી ગઇ હતી. દરમિયાન તેણે બીજા લગ્ન કરવા માટે જીવનસાથી ડોટ કોમ નામની મેટ્રિમોનિયલ સાઇટ પર પ્રોફાઇલ બનાવી હતી. ડિસેમ્બર-૨૦૨૩માં સુરેશ કાન્હારામ ચૌધરી (રહે.મુંડોતી, તા.નલું, જિલ્લો કિશનગઢ(અજમેર), રાજસ્થાન) સાથે મેટ્રિમોનિયલ સાઇટ પર વાત થયા બાદ સંપર્ક થયો હતો. સુરેશ ચૌધરીએ પોતે વાઘોડિયા જીઆઇડીસીમાં આવેલી એસબીઆઇમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું.
સુરેશ ચૌધરી સાથે મળવાનું થતું હતું અને બાદમાં તેણે લગ્નનું વચન આપી યુવતી સાથે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. યુવતીએ એક દિવસ લગ્નની વાત કરતાં તે બહારથી સિંદુર અને મંગળસૂત્ર લઇ આવ્યો હતો અને તેના કુળદેવીના ફોટાની સામે માથામાં સિંદુર લગાવી મંગળસૂત્ર પહેરાવ્યું હતું. એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યા બાદ સુરેશ ચૌધરીએ લગ્ન માટે હાથ અધ્ધર કરી દીધા હતાં.
ઉપરોક્ત વિગતોની ફરિયાદ વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ સ્ટેટ બેંકનો કર્મચારી ફરાર થઇ ગયો હતો. પોલીસ તેની ધરપકડ કરવા તેના ઘેર તેમજ બેંકમાં પહોંચી ત્યારે તેનો પત્તો મળ્યો ન હતો. આ ઉપરાંત રાજસ્થાન ખાતે તેના વતનમાં પણ તપાસ કરી પરંતુ તે મળતો ન હતો જેથી મહિલા પોલીસ દ્વારા તેની વિરુધ્ધમાં કલમ-૭૦ મુજબનું વોરંટ મેળવાયું હતું. જો કે તે હાજર નહી થતાં આખરે વડોદરાની કોર્ટમાંથી કલમ-૮૨ મુજબનું વોરંટ મેળવી તેને ફરાર જાહેર કર્યો છે. કોર્ટે સુરેશ ચૌધરીને તા.૬ સપ્ટેમ્બર સુધી હાજર થવાની સૂચના આપી છે. આ સમયમાં તે હાજર નહી થાય તો તેની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાશે.