કોમર્સના ૩૦ જેટલા અધ્યાપકો માટે હાજરી પૂરવાની સમસ્યા ઉભી થઈ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ચાલી રહેલી એસવાયબીકોમની પરીક્ષાના કારણે કોમર્સ ફેકલ્ટીના ૩૦ જેટલા અધ્યાપકો માટે હાજરી પૂરવાની સમસ્યા ઉભી થઈ છે.
યુનિવર્સિટીમાં હાજરી પૂરવા માટે છેલ્લા બે મહિનાથી બાયો મેટ્રિક સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.જોકે દરેક અધ્યાપક પોતાની ફેકલ્ટીમાં જ તેના થકી હાજરી પૂરી શકે તેમ છે.બાયો મેટ્રિક સિસ્ટમ લગાવતી વખતે કોઈ પણ અધ્યાપક ગમે તે ફેકલ્ટી ખાતે કે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે બાયો મેટ્રિક સિસ્ટમમાં થંબ ઈમ્પ્રેશન કરી શકે તેવો વિકલ્પ આપવા માટે માંગ કરાઈ હતી પણ આ માંગણીને સત્તાધીશોએ કાને ધરી નહોતી.
જેના કારણે હવે કોમર્સ ફેકલ્ટીના અધ્યાપકો માટે હાજરીની સમસ્યા ઉભી થઈ છે.ફેકલ્ટીમાં પરીક્ષા માટે ટેકનોલોજી, સાયન્સ, એજ્યુકેશન સાયકોલોજી અને આર્ટસ ફેકલ્ટીમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાથી કોમર્સના ૩૦ જેટલા અધ્યાપકો આ ફેકલ્ટીઓમાં પરીક્ષાની ફરજ બજાવવા જઈ રહ્યા છે.પરીક્ષાનો સમય સાચવવા માટે તેઓ પહેલા કોમર્સ ફેકલ્ટી ખાતે હાજરી પૂરે અને પછી બીજી ફેકલ્ટીમાં જાય તે શક્ય નથી.જેના કારણે તેમની હાજરી પૂરાઈ રહી નથી.મળતી વિગતો પ્રમાણે આ મુદ્દે ડીન સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે.કારણકે અધ્યાપકોને ડર છે કે, બાયો મેટ્રિક મશિનમાં સળંગ ગેરહાજરી દેખાવાના કારણે તેમની સામે કાર્યવાહી થઈ શકે છે.જોકે ફેકલ્ટી ડીને એવુ આશ્વાસન આપ્યુ છે કે, પરીક્ષા પૂરી થયા બાદ જે અધ્યાપકો પરીક્ષા ડયુટીના કારણે હાજરી પૂરી નથી શક્યા તેમની હાજરી પૂરવા માટે યુનિવર્સિટી સત્તાધીશો સમક્ષ રજૂઆત રવામાં આવશે.