મુદત ભરવા આવેલા ઘરરફોડિયાનો કોર્ટમાંથી કેસ પેપરોની ચોરીનો પ્રયાસ
ટોયલેટમાં ચાર કલાક સુધી સંતાઈ જઈને
મુદતો ભરીને કંટાળ્યો હોવાને કારણે ચોરીનો પ્લાન બનાવ્યો : સેક્ટર ૭ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો
ગાંધીનગર કોર્ટ સંકુલ સુધી તસ્કર પહોંચી ગયાની ઘટના બહાર
આવી હતી. સેક્ટર ૭ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, કોર્ટ સંકુલની
અંદર લગાડવામાં આવેલા કેમેરા પૈકી એક કેમેરો તૂટેલી હાલતમાં જણાયો હતો. જેના આધારે
કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવતા કોર્ટની લોબીમાં ફરતો એક શખ્સ જણાયો હતો અને
તે કોર્ટ રૃમમાં પ્રવેશીને કંઈક શોધતો હોવાનું પણ દેખાયું હતું. જેના આધારે પોલીસ
દ્વારા ચોરીના પ્રયાસનો ગુનો દાખલ કરીને આ આરોપીની શોધખોળ કરી આખરે તેને ઝડપી
લેવામાં આવ્યો છે. સેક્ટર ૪માં રહેતા અને મૂળ બનાસકાંઠાના વિક્રમ બચુ ઠાકોર દ્વારા
આ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે તેની સામે ગાંધીનગરમાં સંખ્યાબંધ
ચોરીના ગુના નોંધાયેલા છે ત્યારે વર્ષ ૨૦૧૬ના ગુનામાં તેની સામે ચાલી રહેલા કેસમાં
અવારનવાર પડી રહેલી મુદતોથી તે કંટાળી ગયો હતો અને તેના કેસ પેપરો ચોરી લેવાનો
પ્લાન બનાવ્યો હતો. જેના પગલે તે મુદત
ભરવા આવ્યો ત્યારે મુદ્દત પૂરી થયા પછી કોર્ટના ટોયલેટમાં સંતાઈ ગયો હતો અને
ત્યારબાદ કોર્ટ બંધ થઈ ગયા બાદ ચાર કલાકે બહાર નીકળ્યો હતો અને ત્રીજા માળે
કોર્ટમાં જઈને કેસપેપરો ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં તેને સફળતા મળી
ન હતી તો કોર્ટના દરવાજા બંધ થઈ ગયા હોવાથી બીજા દિવસે સવારે તે બહાર નીકળ્યો હતો.
હાલ આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.