સે-૨૨ના પંચદેવ મંદિરના દરવાજા ખોલીને તસ્કરોનો ચોરીનો પ્રયાસ
ગાંધીનગરમાં તસ્કરોનો ત્રાસ યથાવત
આગલા દિવસે જ દાન પેટી ખોલી હોવાથી તસ્કરોના હાથમાં કંઈ આવ્યું નહીં : પોલીસે તપાસ આદરી
પાટનગર ગાંધીનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના
બનાવો વધી રહ્યા છે ત્યારે આ વખતે તસ્કરોએ ગાંધીનગરના સેક્ટર ૨૨માં આવેલા પ્રસિદ્ધ
પંચદેવ મંદિરને નિશાન બનાવ્યું હતું અહીં ત્રાટકેલા તસ્કરોએ ત્રણેય મંદિરના દરવાજા
ચાવીથી ખોલ્યા હતા અને ત્યારબાદ તેમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ સંદર્ભે મંદિરના
પૂજારી ભાનુશંકર વ્યાસે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ નિત્યક્રમ મુજબ મંદિરમાં પૂજા કરીને મંદિરના દરવાજા બંધ
કર્યા હતા અને તાળું મારીને રાત્રે ઘરે ગયા હતા. આ દરમિયાન સવારે સાડા પાંચ કલાકે
તેઓ મંદિરે પૂજા કરવા આવ્યા હતા જોકે આ સમયે મંદિરના સેવક રંજનબેન ફૂલ લઈને આવ્યા
હતા અને તેમણે ત્રણેય મંદિરના દરવાજા ખુલ્લા જોયા હતા અને તેની ચાવીઓ પણ નીચે પડી
હતી. તાળા ખૂલ્લી હાલતમાં બહાર પડયા હતા જેથી પુજારીનું ધ્યાન દોરવામાં આવ્યું
હતું જોકે તપાસ કરવામાં આવતા શિવ પાર્વતી મંદિરના તાળા તોડીને તસ્કરો અંદર
પ્રવેશ્યા હતા અને કબાટનો સામાન વેરવિખેર કર્યો હતો. દાન પેટી પણ ખૂલ્લી હાલતમાં
હતી. જોકે તેમાંથી કંઈ લઈ જવામાં તસ્કરો સફળ થયા ન હતા. જોકે માતાજી અને ભગવાનના
આભૂષણો યથાવત હતા. જેથી આ સંદર્ભે હાલતો સેકરે ૨૧ પોલીસે દ્વારા ચોરીનો ગુનો દાખલ
કરીને ફરાર થઈ ગયેલા તસ્કરોની શોધખોળ શરૃ કરવામાં આવી છે. આ ચોરીમાં કોઈ જાણભેદુનો
હાથ હોવાની શંકા પણ સેવવામાં આવી રહી છે.