ગોરવા-ઉંડેરા રોડ પર મોડીસાંજે બાઇક સવાર યુવકના માથામાં કોસ ના ફટકા મારી હત્યાનો પ્રયાસ

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
ગોરવા-ઉંડેરા રોડ પર  મોડીસાંજે  બાઇક સવાર યુવકના માથામાં કોસ ના ફટકા મારી હત્યાનો પ્રયાસ 1 - image

વડોદરાઃ ગોરવા-ઉંડેરા રોડ પર ગઇકાલે સાંજે એક બાઇક સવાર યુવક પર નજીવી તકરારની અદાવત રાખી  ખૂની હુમલો થતાં પોલીસે હુમલો કરનાર અબઝલની તપાસ હાથ ધરી છે.

ઉંંડેરાના જલારામનગર વિસ્તારમાં રહેતા મૂળ યુપીના સતિષભાઇ શર્માએ પોલીસને કહ્યું છે કે,મારો પુત્ર આકાશ ઉર્ફે અક્કુ  ગઇકાલે સાડા સાતેક વાગે બાઇક પર જઇ રહ્યો હતો ત્યારે પેટ્રોફિલ્સ બસસ્ટેન્ડ સામે અમારી સોસાયટીમાં રહેતા અબઝલ ઉર્ફે અબુ અલાઉદ્દીન ઘાંચીએ તેના માથામાં લોખંડના કોસ વડે હુમલો કર્યો હતો.

હુમલાને કારણે આકાશ લોહીલુહાણ થઇ ગયો હતો અને તેની હાલત ખૂબ જ નાજુક છે.હુમલો કરવા પાછળનું કારણ નજીવું હતું.આકાશને સ્પીડમાં બાઇક લઇને જવા બાબતે અબઝલની માતાએ ઠપકો આપતાં બંને વચ્ચે બોલાચાલી થઇ હતી અને તેની અદાવત રાખીને અબઝલે ખૂની હુમલો કર્યો હોવાની વિગતો બહાર આવી છે.

જવાહરનગરના પીઆઇ એમ એન શેખે આ બનાવ અંગે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલો કરનાર અબઝલને ઝડપી પાડયો હતો.પોલીસે હુમલામાં વપરાયેલા સાધનને કબજે કરવા પણ કવાયત કરી છે.

બાઇક સવાર યુવકના માથામાં કોસથી હુમલાના બનાવમાં ઉમેરો

હુમલાખોરે પાંચ થી છ ઘા ઝીંકી દીધા

એસીપી આર ડી કવાએ કહ્યું હતું કે, ઇજાગ્રસ્ત આકાશના માથા અને અન્ય ભાગે લોખંડની કોસ(પરાઇ) વડે પાંચ થી છ ઘા ઝીંકવામાં આવ્યા હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે.પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય ટેકનિકલ સર્વેલન્સ મારફતે આરોપીનું નામ મેળવ્યું હતું અને તેને ઝડપી પાડયો હતો.

સયાજીગંજમાં જૂની અદાવતને કારણે ચપ્પુ થી હુમલો

ફતેગંજ સદરબજારમાં રહેતા પિયુષ પરમારે પોલીસને કહ્યું છે કે,અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને ઝાકીરહુસેન ઉર્ફે અબુ (સની એપાર્ટમેન્ટ,ફતેગંજ)એ ગઇકાલે કલ્યાણનગર પાસે મારા દાઢીના ભાગે ચપ્પુનો ઘા માર્યો હતો.જેથી સયાજીગંજ પોલીસે હુમલાખોર સામે ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News