દારૃના કેસને લગતી ફેસબુક પોસ્ટ મુદ્દે હુમલો આજે તો પોસ્ટ મૂકી છે, કાલે વીડિયો મૂકીશ કહી પૈસાની માંગણી કરી
પાદરા તાલુકાના લુણા ગામે સમાધાનના બહાને બોલાવી ધાયજ ગામના યુવાનને માર માર્યો
, તા.28 રેલવે પોલીસમાં દારૃ સાથે ઝડપાયેલા ધાયજના એક શખ્સની બદનામી ફેસબુક પર કર્યા બાદ ફરીથી બદનામી નહી કરવા માટે પૈસાની માંગણી કરી પાદરા તાલુકાના લુણા ગામના શખ્સે હુમલો કરી માર માર્યો હતો.
પાદરા તાલુકાના ધાયજ ગામમાં રહેતા હિતેન્દ્ર ઇશ્વર રોહિતે લુણા ગામમાં રહેતા ભાવિન હસમુખ પાવા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૬ના રોજ સવારે હું રેલવે સ્ટેશન પર દારૃ લેવા ગયો ત્યારે પોલીસના હાથે ઝડપાઇ જતાં ગુનો દાખલ થયો હતો તેમજ પાદરામાં રહેતા મારા મિત્ર આશિષ ઝાલા સામે પણ પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો.
રાત્રે હું ઘેર હતો ત્યારે ભાવિનના ફેસબુક એકાઉન્ટ પર પાદરાના ધાયજ ગામનો સ્કોચ દારૃનો બૂટલેગર કોણ? રેલવે પોલીસમાં ૨૦ દિવસ પહેલાં ૫૦ બોટલ સાથે પકડાયેલા વ્યક્તિ આશિષ ઝાલાની ૭૦ પેટી દારૃનો પાર્ટનર? તેવી પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટ જોઇને મેં ભાવિનને ફોન કરતાં તેણે ફોન ઉપાડયો ન હતો જેથી લુણામાં રહેતા મારા મિત્ર વિનોદ રોહિતને ફોન કરતાં તેણે જણાવેલ કે તું ખોટી મગજમારી ના કર ભાવિન તને સમાધાન માટે લુણા બોલાવે છે.
બાદમાં હું લુણા પહોંચી મારા મિત્રની સાથે ભાવિનના ઘેર ગયો હતો. ભાવિને આ વખતે જણાવેલ કે આજે તો તારા વિરુધ્ધ ફેસબુક ઉપર પોસ્ટ ચડાવી છે કાલે તો તારો વીડિયો ચડાવીશ, તારે ફેસબુક પોસ્ટ બાબતે સમાધાનના પૈસા આપવા હોય તો આપી દે તેમ કહેતાં મેં પૈસા આપવાની ના પાડી હતી જેથી ભાવિને મને ધમકી આપી માર માર્યો હતો. બાદમાં મારો મિત્ર તેના ઘેર લઇ ગયો હતો. આ સમય દરમિયાન પોલીસ આવી જતાં ભાવિન ફેસબુક પર લાઇવ થઇને મોટેમોટેથી અપશબ્દો બોલી પોલીસની હાજરીમાં મારી ટીશર્ટ ખેંચી અપશબ્દો બોલતો હતો.