ઇન્કમટેક્સની ફાઇલ લેવા ગયેલ વિધવા પર જેઠ-જેઠાણીનો હુમલો
વિધવા અને નાની પુત્રીને માર મારી ઓફિસની બહાર કાઢી મૂકતા પોલીસ ફરિયાદ
વડોદરા, તા.10 સરદાર એસ્ટેટમાં હાર્ડવેરની ઓફિસમાં ઇન્કમટેક્સની ફાઇલ લેવા માટે ગયેલી વિધવા અને તેની પુત્રી પર જેઠ અને જેઠાણીએ હુમલો કરી માર મારતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
હરણીરોડ પર રાજેશ્વર રેસિડેન્સીમાં રહેતી કિન્નરી તુષારભાઇ ગાંધીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં જેઠ પ્રેમલ વિરેન્દ્ર ગાંધી અને તેના પત્ની તન્વી (બંને રહે.અંબર ફ્લેટ્સ, અકોટા હવેલી સામે) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારા લગ્ન વર્ષ-૨૦૦૮માં થયા હતાં. હાલ મારે સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. મારા પતિનું જુલાઇ-૨૦૨૨માં અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
અમારી સરદાર એસ્ટેટ ખાતે હાર્ડવેરના ધંધાની ઓફિસ હોવાથી મારા પતિના મૃત્યુ બાદ હું ત્યાં બેસવા માટે જતી હતી. ગઇકાલે સાંજે હું મારી પુત્રીને લઇને ઇન્કમટેક્સ ભરવાનો હોવાથી ફાઇલ લેવા માટે ઓફિસ ગઇ હતી ત્યારે ઓફિસમાં મારા જેઠ અને જેઠાણી હાજર હતાં. મને જોઇને મારા જેઠે સ્ટાફને મોકલી દીધો હતો અને ઓફિસ બંધ કરવા લાગ્યા હતાં. આ વખતે મેં પાંચ મિનિટ મને આપો હું આઇટીની ફાઇલ લઇ લઉં પછી બંધ કરી દેજો તેમ કહેતાં જેઠ ઉશ્કેરાઇ ગયા હતા અને મારી પુત્રીને માર મારવા લાગ્યા હતાં તેમજ કોઇ ફાઇલ મળશે નહી, તારાથી થાય તે કરી લેજો, ઓફિસની બહાર નીકળી જાવ તેમ કહી મને બહાર કાઢી મૂકી હતી જ્યારે જેઠાણીએ મને માર માર્યો હતો.