મોબાઇલમાં મેસેજ મુદ્દે યુવાનનો પતિ અને પત્ની પર લાકડીથી હુમલો
માંજલપુરમાં જગ્યાના ઝઘડામાં વયોવૃધ્ધ મહિલાને માર મારતાં ઇજા
વડોદરા, તા.3 શહેરના અટલાદરા વિસ્તારમાં ખિસકોલી સર્કલ પાસે મોબાઇલ પર કરેલા મેસેજ અંગે કહેવા ગયેલા દંપતી પર યુવાને લાકડીથી હુમલો કરીને બંનેને ઇજા પહોંચાડી હતી.
આ અંગેની વિગત એવી છે કે ખિસકોલી સર્કલ પાસે બાપુનગરમાં રહેતો અંકિત રમેશભાઇ બીલવાલ વડસર બ્રિજ પાસે સુપર સ્ટોરમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. ગઇકાલે નોકરી પરથી છૂટીને ઘેર જઇ પત્ની વનિતાનો મોબાઇલ લઇને બેઠો હતો તે વખતે એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. આ અંગે અંકિતે પૂછતાં પત્નીએ જણાવેલ કે હું આ નંબરવાળાને નથી ઓળખથી. બાદમાં અંકિતે અજાણ્યા નંબર પર ફોન કરતાં સામેથી હું જયેશ નટવરભાઇ માળી સર્વોદય વુડાના મકાનમાંથી બોલું છું તું ક્યાં છે તેમ કહી દંપતીને ખિસકોલી સર્કલ પાસે ત્રિનેત્ર કોમ્પ્લેક્સ પાસે બોલાવ્યા હતાં. અંકિત તેની પત્ની સાથે જતા ત્યાં હાજર જયેશ માળીએ લાકડીથી બંનેને માર માર્યો હતો. આ અંગે અટલાદરા પોલીસમાં ફરિયાદ થઇ હતી.
અન્ય બનાવમાં માંજલપુરમાં નવાપુરા ફળિયામાં રહેતા શકુંતલાબેન ભરતભાઇ પરમાર તેમની વયોવૃધ્ધ માતા સાથે ઘેર હતાં ત્યારે ઘરની જગ્યા બાબતે ફળિયામાં રહેતા રણજીત બચુ સોલંકી, કાંતાબેન, મહેન્દ્રભાઇ અને કોકિલાબેન ઘેર આવી અમારી સાથે ઝઘડો કરવા સિવાય કોઇ કામ નથી તેમ કહી બોલાચાલી કરી વૃધ્ધા જશોદાબેન પર હુમલો કર્યો હતો. આ અંગે ચારેય શખ્સો સામે માંજલપુર પોલીસમાં ફરિયાદ થઇ હતી.